અમદાવાદ:ચાંદખેડામાં યુવકના અપહરણની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સની પત્ની ગુમ થતાં તેણે જૂના મિત્ર પર શંકા રાખી તેનું અપહરણ કરી ગાડીમાં બંધક બનાવી ઢોર માર મારી પાટણ-રાધનપુર હાઇવે પર ઉતારી દીધો હતો. મુખ્ય આરોપીએ યુવકનું ચાંદખેડામાંથી અપહરણ કર્યુ અને બાદમાં તેને ગાડીમાં જ માર માર્યો હતો. યુવકે તેના ભાઇને જાણ કરી આરોપીના નામ આપતા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરી હતી. જેની જાણ આરોપીઓને થતાં યુવકને સુઇ ગામ પાસે રણમાં લઇ જઇ મારી મારીને હાઇવે પર અપહરણકર્તાઓએ છોડી દેતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રીંગરોડ તરફ ભાગી ગયા:અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા જમીન દલાલીનું કામ કરે છે. શનિવારે તેઓના ભાઇ પ્રદિપસિંહએ ફોન કરીને કોઇ બે ગાડી વાળાઓ તેમનો પીછો કરે છે. તેમ કહેતા ધર્મેન્દ્રસિંહે તેને કેશવ એપાર્ટમેન્ટ પાસે આવી જવા કહ્યું હતુ. ત્યાં હજુ પોદાર સ્કુલ પાસે પહોંચતા જ ધર્મેન્દ્રસિંહને માણસો ભેગા થયેલા જોવા મળ્યા હતા. ત્યાં તેઓને જાણવા મળ્યુ કે પ્રદિપસિંહ ગાડી લઇને ત્યાં પહોંચ્યા ત્યારે બે ગાડીમાં આવેલા આઠથી દસ શખ્સો લાકડીઓ લઇને પ્રદિપસિંહ સાથે માથાકૂટ કરી અપહરણ કરી રીંગરોડ તરફ ભાગી ગયા હતા.
"આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એસ વણઝારાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે પોલીસને જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને અપરણકારો યુવકને મૂકીને ફરાર થઈ ગયા હતા હાલ આ બાબતે ગુનો દાખલ કરી ગુનામાં સામે આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે"--PI વી.એસ વણઝારા (ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI)
પોલીસ સ્ટેશન ગયા:ત્યારે ધર્મેન્દ્રસિંહે તપાસ કરતા પ્રભાત રબારી કે જે અગાઉ ચાની કિટલી ચલાવતો હતો. તેણે જ તેના મળતિયાઓ સાથે મળીને પ્રદિપસિંહનું અપહરણ કર્યું હોવાની જાણ થઈ હતી. જેથી ધર્મેન્દ્રસિંહ ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા અને સમગ્ર રજૂઆત કરી પોલીસને સાથે રાખી આરોપીના ઘરે તપાસ કરી હતી. પણ આરોપી હાજર મળી આવ્યો ન હતો. તેવામાં પ્રદિપસિંહનો ફોન આવ્યો અને પાટણ રાધનપુર હાઇવે પર બ્રીજ નીચે અપહરણકર્તાઓ તેમને લઇને આવ્યા હોવાનું જણાવતા પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યાં જઇને જોયુ તો બ્રીજ નીચે રીક્ષામાં આ પ્રદિપસિંહ બેઠા હતા અને તેઓના શરીરે ઇજાઓ પણ પહોંચેલી હતી.
ઢોર માર માર્યો:સમગ્ર બનાવ બાબતે પૂછતા પ્રદિપસિંહે તેમના ભાઇ અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. પ્રભાત રબારી, વિશાલ ઉર્ફે વીહો રબારી, લાલો રબારી, બલો રબારી, દેવજી રબારી, વિષ્ણુ રબારી, ભરત રબારી, અમરત રબારી, હમીર રબારી સહિતના અન્ય શખ્સોએ પ્રદિપસિંહનું અપહરણ કર્યુ હોવાની હકીકત જણાવી હતી. આ તમામ લોકોએ પ્રભાત રબારીની પત્ની ગુમ થઇ હોવાની બાબતમાં પ્રદિપસિંહ પર શંકા રાખી અપહરણ કરી પાટણ સુધી લઇ જઇ ગાડીમાં બંધક બનાવી ઢોર માર માર્યો હતો.
આરોપી ઘરે પહોંચી:પોલીસ આરોપી પ્રભાતના ઘરે પહોંચી છે તેવી જાણ થઇ ત્યારે બનાસકાંઠાના સુઇ ગામ પાસે રણમાં પ્રદિપસિંહને ગાડીમાંથી બહાર કાઢી લાકડીઓથી ઢોર માર મારી 55 હજાર લૂંટી લીધા હતા. પોલીસ ઘરે ગઇ હોવાની જાણ થતાં શખ્સોએ પોલીસને જાણ કરીશ તો મારી નાખીશુ તેવી ધમકી આપી હાઇવે પર રીક્ષામાં મૂકીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે મામલે હવે ચાંદખેડા પોલીસે આશરે 14 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Ahmedabad Crime : નિકોલમાં લોકોથી ભરેલા ભરચક રોડ પર 65 વર્ષીય વૃદ્ધની હત્યા કરી હત્યારો ગાયબ
- Ahmedabad News: અમદાવાદના સોની વેપારીનો પીછો કરી ભરૂચમાં 1.21 કરોડની લૂંટ કરનાર બે આરોપીઓ દાણીલીમડાથી ઝડપાયા