અમદાવાદ :શહેરના અનુપમ બ્રિજ આત્મહત્યા કરવા પહોંચેલા યુવકનો જીવ બચાવી લેવાયો છે. બપોરના સમયે રેલવે પોલીસને જાણ થઈ હતી કે એક યુવક ખોખરા કાંકરિયાની વચ્ચે આવેલા અનુપમ રેલવે બ્રિજ પર આત્મહત્યા માટે પહોંચ્યો છે. બ્રિજની એંગલ પર બેઠો છે. જે ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ત્યાં પહોંચી હતી અને કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર રેસ્ક્યુ ટીમે અંતે યુવકને સમજાવી આત્મહત્યા કરતા અટકાવી બચાવી લેવાયો છે.
ત્રણ બાળકોનો પિતા : આ અંગે જાણ થતા સ્થાનિક ખોખરા અને મણીનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, યુવકને સમજાવીને ખોખરા પોલીસ મથકે લઈ જવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક માનસિક સ્થિરતા ન ધરાવતો હોવાનું સામે આવ્યું છે. યુવકને પત્નિ સાથે બોલાચાલી થતા તે આ પ્રકારે ઘરેથી નીકળી ગયો હતો. યુવકનું નામ મનીષ નામદેવ સાંબે છે અને તે હાટકેશ્વર વિસ્તારમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક ત્રણ બાળકોનો પિતા છે અને છૂટક કામ કરે છે.