અમદાવાદ :શહેરના નારોલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે થોડા દિવસ પહેલા ઝડપેલા યુરીયા ખાતર કૌભાંડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતર મેળવી તેના થેલા બદલીને બારોબાર ઈન્ડસ્ટ્રીઝમાં વેચી દેવામાં આવતું હોવાની હકીકત સામે આવી છે. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નારોલ ઇસનપુર રોડ પર મટન ગલી રૂપ ટેક્સટાઈલની સામે અર્બુદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 38માં આસ્મ સ્પેશ્યાલીટી પ્રાઈવેટ લીમીટેડ નામનાં ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 4થી મેના રોજ દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે આ જગ્યાએ હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતુ યુરીયા ખાતર જે સરકાર દ્વારા સબસીડી સાથે આપવામાં આવે છે, તે ગેરકાયદેસર રીતે મેળવી કોમર્શિયલ યુરીયાના માર્કાવાળી બેગમાં ભરી ફેક્ટરીઓમાં વેચીને સરકાર દ્વારા અપાતી સબસીડીનો દૂર ઉપયોગ કરે છે.
26 લાખનો મુદ્દામાલ ઝડપાયો : તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 7 લોકોને પકડી પાડ્યા હતા. જેમાં મેનેજર સેંધા દેસાઈ, મદદ કરનાર કુલદીપસિંહ ગોહિલ તેમજ 4 મજૂરો અને એક ટ્રક કબ્જો કરાઈ હતી. આ મામલે યુરીયા ખાતરની 6 લાખ 37 હજારથી વધુની કિંમતની 11 હજાર 250 કિલોગ્રામ વજનની 250 બેગ તેમજ આઈસર અને બે મોબાઈલ ફોન સહિત 26 લાખ 81 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
યુરિયા ખાતરનું સેમ્પલ :તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે કબ્જે કરેલું યુરીયા ખાતર સબસીડીવાળુ છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે યુરિયા ખાતરનું સેમ્પલ એફ.એસ.એલ તેમજ ફર્ટીલાઈઝર ટેસ્ટીંગ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલ્યું હતું. જેનો રિપોર્ટ આવતા આ અંગે નારોલ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આ મામલે સામેલ આરોપી હર્ષ ગોયલ યુરિયા ખાતર સૈજપુર ગોપાલપુરમાં આવેલી કે.આર એન્ટરપ્રાઇઝ તેમજ શાહવાડીમાં વિજય એન્ટરપ્રાઈઝ મંગાવી ગોડાઉનમાં મુકી રાખી અલગ અલગ કંપનીઓને મોકલતો હતો.