અમદાવાદઃ સમગ્ર દેશ અને વિદેશમાં કોરોના વાયરસના કારણે વેપાર, રોજગાર ઠપ થઈ ચૂક્યાં છે. જેથી વેપારીઓ હાલ કામ ધંધા વગરના થઈ જતાં જુગાર રમવા તરફ દોરાયાં હતાં. પરંતુ પોલીસને બાતમી મળતાં જ પોલીસે સિંઘમની જેમ તે હોટલમાં રેઇડ કરી મેનેજર સહિત સાત લોકોની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
અમદાવાદના બોપલમાં જુગાર રમતાં 7 લોકોની પોલીસે કરી ધરપકડ
દેશવિદેશમાં કોરોના વાયરસના કારણે વેપાર, રોજગાર ઠપ થઈ ચૂક્યાં છે. ત્યારે કેટલાક લોકો નવરાશનો સમય જુદી રીતે પસાર કરી રહ્યાં છે. અમદાવાદના બોપલમાં હોટલમાં જુગાર રમવા તરફ દોરાયેલાં વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી.
હોટલના મેનેજર જ છેલ્લાં ઘણા સમયથી આ વેપારીઓ માટે એક રૂમ સ્પેશિઅલ બૂક કરીને રાખતો અને જુગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે, બોપલમાં આવેલી સ્કાય લેન્ડ હોટલમાં કેટલાંક વેપારીઓ જુગાર રમી રહ્યાં છે. જેથી બોપલ પોલીસ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી. ત્યાં જઈને પહેલાં તપાસ કરી અને બાતમી પાક્કી થતાં જ હોટલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રૂમ નંબર-510માં 6 લોકો પત્તાનો જુગાર રમતાં હતાં. જેથી પોલીસે તમામ લોકો સામે જુગરધારા મુજબ અટકાયત કરી તે લોકોની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી પોલીસે 6.98 રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી બે કાર પણ કબજે કરાઈ છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી રાજુ શાહ કે, જે મેનેજર છે. જે આ તમામ લોકોને ભેગાં કરી જુગારની કલબ ચલાવતો હતો અને તેની પણ ધરપકડ કરી છે.