અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ એક્શન મોડમાં આવ્યા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી તેજ કરી છે. હાલમાં જ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર મોડી રાત્રે પોલીસે પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ કરીને કડક કાર્યવાહી કરી હતી, ત્યારે હવે અમદાવાદમાં પૂર્વમાં આવતા ઝોન 5 વિસ્તારમાં તડીપાર આરોપીઓને પકડી પાડવા માટે વહેલી પરોઢે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો : અમદાવાદ ઝોન 5 વિસ્તારમાં આવતા અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રામોલ, નિકોલ, ઓઢવ, રખિયાલ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનના ગુનામાં તડીપાર કરાયેલા 59 જેટલા આરોપીઓના ઘરે તેમજ તે હોય શકે તેવી જગ્યાએ પરોઢે 5 વાગે સર્ચ કરી 14 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ યાદવની સુચનથી ઝોન 5 DCP બળદેવ દેસાઈ અને આઈ ડિવિઝન ACP કૃણાલ દેસાઈની આગેવાનીમાં 8 PI, 13 PSI તેમજ અને 65 પોલીસકર્મીઓની કુલ 13 ટિમો દ્વારા તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરાઈ હતી.
29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા : તપાસ દરમિયાન પોલીસે 14 તડીપાર આરોપીઓને તેઓના ઘરે અથવા તો અન્ય જગ્યાઓ પરથી ઊંઘતા જ ઝડપી લીધા હતા. આ જ પ્રકારે 3 દિવસ પહેલા પણ ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા આ પ્રકારે તપાસ કરીને કરીને 15 તડીપાર આરોપીઓને વિસ્તારમાંથી પકડી લીધા હતા. એમ કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા છે.
અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનરની સૂચના મળતા જ વહેલી સવારે ACP કૃણાલ દેસાઈના નેતૃત્વમાં ટિમોએ કોમ્બિંગ કરી 14 તડીપાર ઝડપી લીધા છે. તેમજ ત્રણ દિવસ અગાઉ 15 આરોપીઓ ઝડપી લીધા હતા. આ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. - બળદેવ દેસાઈ (ઝોન 5 DCP)