અમદાવાદઃ શહેરમાં પણ લોકડાઉન છે, પરંતુ કેટલાક તો તેને ગંભીરતાથી નથી લેતા અને રોડ રસ્તા પર ફરે છે, ત્યારે અમદાવાદ પોલીસ પણ હરકતમાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે અમદાવાદમાં કલમ 144 લાગુ છે અને જે ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવામાં આવશે. રવિવારના રોજ ખાડિયા વિસ્તારમાં રેલી કાઢનાર 40 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાને લઈને પરિસ્થિતિ બગડશે તો લોકડાઉન ચાલુ રાખવામાં આવશેઃ પોલીસ કમિશ્નર પોલીસ કમિશ્નરે લોકોને અપીલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવું અને જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે તે દુકાન જ ચાલુ રાખવી તે સિવાય તમામ દુકાનો બંધ રાખવી અને લોકડાઉનને પાડવું. અમદાવાદમાં કેટલાક વિદેશથી આવેલા લોકોને કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ પાસે 900 લોકોનું લિસ્ટ છે, જેઓ વિદેશથી આવ્યા છે. તેમના ફોન ટ્રેસ કરવામાં આવશે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. જે લોકો કોરોન્ટાઇનમાંથી બહાર નીકળશે તો અથવા ઈલાજ નહીં કરાવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં ઘાટલોડિયા, ઓઢવ અને મણિનગરમાં કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ કોરોન્ટાઇન બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગના ટ્રાન્સપોર્ટેશનના પરિપત્ર મુજબ રાજ્યમાં અને આંતરરાજ્યમાં કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં પણ રીક્ષા તથા ટેક્ષી પર બેન છે.
હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણ લોકડાઉન નથી કરવામાં આવ્યુ, પરંતુ પરિસ્થિતી સુધરશે તો લોકડાઉન પાછું ખેંચવામાં આવશે અને બગડશે તો સંપૂર્ણ લોકડાઉન પણ કરવામાં આવી શકે છે.