અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે છેલ્લા 4 મહિનાથી ઠેબે ચડેલી NEETની પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થતા વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મેનેજમેન્ટે હાશકારો અનુભવ્યો હતો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી NEETની પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહી હતી. મોટા ભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા સરળ જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સના પ્રશ્નો અઘરા રહ્યા હતા. સૌથી મહત્વની વાતએ હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે રાખેલી તકેદારીના કારણે અને વાલીઓની સાવચેતીના કારણે કોઈપણ જગ્યાએ કોઈ મુશ્કેલી ઊભી થઈ ન હતી.
આ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે NTA દ્વારા કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ધોરણ 12 પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથિકમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે અગાઉ મે માસમાં લેવાનારી NEETની પરીક્ષા સ્થગિત કરીને જુલાઈમાં લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ સ્થિતિ યોગ્ય ન લાગતાં છેવટે 13 સપ્ટેમ્બર એટલે કે રવિવારે લેવાની જાહેરાત કરાઇ હતી.