અમદાવાદ : ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર બોગસ પાસપોર્ટના આધારે પ્રવાસ કરનાર યુવક ઝડપાયો છે. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ SOGને સોંપવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો : 15મી ફેબ્રુઆરીએ રાત્રિના સમયે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર રાકેશ કુમાર પાંડે ફરજ પર હતા. તે સમયે રાત્રે 10 વાગે યુ.કેથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી પ્રવાસી બહાર નીકળી રહ્યા હતા. તમામ પ્રવાસીઓનું ઇમિગ્રેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક પેસેન્જર તેઓની પાસે આવતા તેમણે પાસપોર્ટ જોતા તેમાં MENEZES TUSHAL અને પિતાનું નામ MEGAN KEVIN MENEZES અને માતાનું નામ RITA MENESES લખ્યું હતું. જોકે પેસેન્જર ગભરાયેલો હોવાનું જણાતા ઈમિગ્રેશન ઓફિસરને તેના પર શંકા ગઈ હતી. જેથી માતા-પિતાનું નામ પૂછતાં તે પેસેન્જરે કોઈ જવાબ આપ્યો ન હતો.
કેવી રીતે પકડાયો : પાસપોર્ટના આધારે યુવકનું નામ નામ ક્રિશ્ચિયન હોવાનું જણાતું હતું, પરંતુ તે યુવકના જમણા હાથના પંજા પર ઓમ દોર્યું હતું. જેના કારણે ઈમિગ્રેશન ઓફિસરને વધુ શંકા ગઈ હતી. તેઓએ પેસેન્જરને ક્રિશ્ચન ધર્મ પાળે છે તે બાબતે પૂછતાં તેણે કોઈ જવાબ ન આપ્યો હતો. અંતે તેને સાચું નામ પૂછતા તેણે પોતાનું સાચું નામ તુષાલકુમાર રણછોડભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ઇમિગ્રેશન ઓફિસરે યુવકના સાચા નામના આધાર પુરાવા માંગતા તેણે પોતાના ફોનમાં સાચા નામનો ભારતીય પાસપોર્ટ આધારકાર્ડ અને પાનકાર્ડની ફોટો કોપી બતાવી હતી. જેમાં તેના ભારતીય પાસપોર્ટમાં તેનું અને માતા પિતાનું સાચું નામ અને અમદાવાદના જન્મ સ્થળ અંગે વિગતો લખી હતી. જે બાદ યુવકે પોતાના બેગમાંથી પોતાનો જન્મનો દાખલો કાઢીને ઇમિગ્રેશન ઓફિસરને બતાવ્યો હતો જે દાખલામાં તેની ખોટી વિગતો લખેલી જોવા મળી હતી.
બોગસ પાસપોર્ટ પાછળ કારણ : આ મામલે યુવકને બોગસ જન્મનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ કેવી રીતે બનાવ્યો તે અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, બનાવટી પાસપોર્ટમાં જે માતાનું નામ RITA MENEZES છે, તે પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે અને યુવકને વર્ષ 2021માં અમદાવાદ ખાતે મળી હતી. યુવકને પોતાના પુત્ર તરીકે લંડન લઈ જવાનું કહીને જન્મનું બોગસ પ્રમાણપત્ર બનાવડાવી આપ્યું હતું. તેના આધારે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને યુ.કેના પી.આર સુધીના ખર્ચ પેટે RITA MENEZES એ પકડાયેલા યુવક પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ યુવકે પોતાના ફોનમાં RITA MENEZES નો પાસપોર્ટ બતાવ્યો હતો.