અમદાવાદઃ શહેરમાં આવેલા કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં કેસની સંખ્યા વધતા રાજ્ય સરકારે અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફ્યૂ લાગુ કર્યો છે. સવારથી જ આ તમામ વિસ્તારમાં માર્ગો પર કરફ્યૂૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. ઘરની બહાર નીકળતા લોકોને કાયદાનું પાલન કરાવવા ક્યાંક હળવા બળનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદના 13 દરવાજાની અંદર આવતા તમામ કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં સવારના 6 વાગ્યાથી કરફ્યૂનો ચુસ્ત અમલ દેખાયો છે. પોલીસ આવતા જતા લોકોની તપાસ કરે છે અને જો કારણ વગર લોકો બહાર ભટકતા નજરે પડે તો પોલીસ કડકાઇથી કાર્યવાહી કરે છે. લૉકડાઉન સમયે હોટસ્પોટ વિસ્તારોના જે માર્ગો પર થોડી ભીડ જોવા મળતી હતી, હવે કરફ્યૂમાં રોડ સુમસામ ભાસી રહ્યા છે.