અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાં શાળાના ટ્રસ્ટી પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવા મામલે આશિષ કંજારીયાની હાલમાં જ ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, અને હાલમાં વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં આશિષ કંજારીયા સામે દાખલ થઈ છે. જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન્સના ટ્રસ્ટી મનન ચોકસીએ ખંડણીની ફરિયાદ નોંધાવી છે.આરોપીની પ્રાથમિક તપાસમાં તેની પાસે એક દોઢ કરોડની કિંમતનો બંગલો મળી આવ્યો હતો.
સ્કૂલમાં એડમિશન જોઇતું હતું : વર્ષ 2019 માં ફરિયાદી મનન ચોકસીને અવારનવાર વ્હોટ્સએપ કોલ કરીને આશિષ કંજારીયાએ મળવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ સ્કૂલના પી.આર કન્સલ્ટ અંકુર પરીખનો નંબર આપી તેની સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. જે બાદ આશિષ કંજારીયાએ અંકુર પરીખને ફોન કરી સ્કૂલમાં એડમિશન કરાવી આપવાનું જણાવ્યું હતું. જોકે ફરિયાદીએ આ રીતે એડમિશન આપવાની ના પાડી હતી. જેથી તેણે યેનકેન પ્રકારે સ્કૂલની ખોટી અરજીઓ અને આરટીઆઇ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો Ahmedabad crime news: શાળાના ટ્રસ્ટીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની ખંડણી માગનાર બોગસ પત્રકાર ઝડપાયો
ધમકીઓ આપી : જે બાદ વર્ષ 2020 માં આશિષ કંજારીયાએ ફરિયાદીને પોતે પોલખોલ ટીવીમાંથી બોલું છું, તેમ કહીને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. પછી શિક્ષણ વિભાગમાં સ્કૂલ વિરોધ ખોટી અરજીઓ અને આરટીઆઇ કરીને ફરિયાદી મનન ચોકસીને કોલ કરીને એફઆરસીને અધિકારીને પોતે સસ્પેન્ડ કરાવ્યા છે, પોતે શિક્ષણ વિભાગની તેમજ દરેક સ્કૂલોની માહિતી જાણે છે, તમે બધા ખોટા કામ કરો છો અને હું બધી માહિતી રાખું છું. તમારે મારી જરૂરિયાત મુજબના એડમિશનનો કરાવી આપવાના છે તેમ કહેતા ફરિયાદીએ ના પાડતા તેણે જણાવેલ કે મને બધી સ્કૂલોવાળા એડમિશન કરી આપે છે. જે સ્કૂલમાં એડમિશન થતા નથી તે મને વળતર ચૂકવી આપે છે. આમ નહીં કરનાર સામે હું અરજીઓ કરું છું. તેમ કહીને તેણે બે વ્યક્તિને એડમિશન કરાવવાનું જણાવ્યું હતું. પરંતુ સ્કૂલે એડમિશન કરી આપ્યા ન હતા, જેથી તેણે 6 લાખનું નુકસાન થયેલ છે તે વળતર ચૂકવવું પડશે તેમ કહીને ધમકીઓ આપી હતી.
શાળા વિરુદ્ધ ખોટી અરજીઓ કરી : ત્યારબાદ આશિષ કંજારીયાએ શિક્ષણ વિભાગ તેમજ જુદી જુદી સરકારી કચેરીમાં શાળા વિરુદ્ધ ખોટી અરજીઓ કરી તેમ જ ધમકીઓ આપી શાળા બંધ કરાવી દેવાની અને જામીન પણ ન મળે તેવા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. અંતે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોગસ પત્રકાર : આશિષ કંજારીયાએ પોતે વાલી મંડળના પ્રમુખ તેમજ આરટીઆઇ એક્ટીવીસ્ટ, પોલ ખોલ ટીવીના એડિટર તરીકેની ઓળખ આપી અનેક શાળાઓ પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલી હોય તે બાબતના ખુલાસાઓ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યા છે. તેની સામે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બોપલ ખાતે શ્રી રામ વિદ્યાલયના ટ્રસ્ટી શશી ભટ્ટે ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2017 માં આશિષ કંજારીયાએ તેઓને પોતે વાલી મંડળનો પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ પોલખોલ યુટ્યુબ ચેનલ ચલાવું છું તેમ કહીને તમારી સ્કૂલના દસ્તાવેજોની જરૂર છે, તેવું જણાવી સ્કૂલના અલગ અલગ 15 ડોક્યુમેન્ટની માંગણી કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : ડોક્યુમેન્ટ અને ફોટાનો દુરુપયોગ કરી રાજ્યવ્યાપી સિમ કાર્ડ સ્કેમ મામલે તપાસ તેજ, 29 હજાર સીમ મળ્યાં
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ :જેથી તેઓએ સ્કૂલના ડોક્યુમેન્ટ આપવાની ના પાડતા તેણે પોતે ઘણી બધી સ્કૂલોમાં વાલીઓના સપોર્ટના આધારે સ્કૂલમાં હડતાળ પડાવી છે અને હું તમારી સ્કૂલમાં પણ આવી હડતાલ પડાવી સ્કૂલ બંધ કરાવી દઈશ તે પ્રકારની ધમકીઓ આપી વાર્ષિક 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો હેરાન કરી સ્કૂલ બંધ કરાવી દઈશ અને સ્કૂલ વિરુદ્ધમાં ખોટા પુરાવા ઉભા કરી ખોટા કેસમાં જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે આજુબાજુની ઘણી બધી સ્કૂલો તેને હપ્તાઓ આપે છે અને હપ્તાવો ન આપે તો શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી એવી ફરિયાદ કરે છે કે તે લાંબા સમય સુધી જેલમાં રહે છે.
આરટીઆઇ હેઠળ અરજીઓ કરી : ત્યારબાદ ફરિયાદીની સ્કૂલમાં અગાઉ નોકરી કરી ચૂકેલા કર્મચારી સંજીવ સેમ્યુઅલ સાથે આશિષ કંજારીયાએ મુલાકાત કરી મિત્રતા કરી સ્કૂલ બાબતેની ગુપ્ત માહિતી મેળવવા માટે તેમજ સ્કૂલને બદનામ કરવાના ઇરાદે કચેરી ખાતે 20 થી 25 જેટલી અલગ અલગ આરટીઆઇ હેઠળ અરજીઓ કરી હતી. જેના જવાબો ફરિયાદી પાસેથી માંગવામાં આવતા તેવા જવાબ આપ્યા હતા અને તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી વાલીઓને ઉશ્કેરવાનું કામ આશિષ કંજારીયાએ કર્યું હતું. તેમ છતાં પણ તેઓએ આરોપીને રૂપિયા ન આપતા તેને ન્યૂઝ પેપરમાં સ્કૂલ વિરુદ્ધ ખોટી માહિતી આપી પ્રસિદ્ધ કરાવી હતી અને સ્કૂલની પ્રતિષ્ઠાને બદનામ કરી હતી.
સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી : વર્ષ 2022માં ફરિયાદી પોતાના ડ્રાઇવર સાથે ગાડી લઈને નીકળ્યા હતા તે દરમિયાન આશિષ કંજારીયાએ રસ્તામાં તેઓની ગાડી રોકીને રૂપિયાની માંગણી કરી હતી. જોકે તેઓએ રૂપિયા આપવાની ના પાડતાં વર્ષ 2022ના અંતમાં આશિષ કંજારીયાએ સ્કૂલ પર આવીને પોતાની માંગણી મુજબના રૂપિયા તમારે મને આપવા પડશે નહીં તો બે મહિનામાં સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. તેમજ સ્કૂલ વિરુદ્ધ અલગ અલગ ખોટી આરટીઆઈ અરજીઓ તેમજ ન્યૂઝ પેપરમાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરાવી માનસિક ત્રાસ આપી હોય આ સમગ્ર મામલે અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
76 લાખ પડાવ્યાં : આ મામલે ઝડપાયેલા આરોપી આશિષ કંજારીયાએ 16 જેટલી શાળાઓ તેમજ 2 ટ્રાવેલ એજન્સી અને 2 ઔદ્યોગિક એકમ પાસેથી 76 લાખ જેટલી રકમ પડાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PI મીતેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ અંગે આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો છે, તેણે અનેક શાળાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાથી વધુ બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.