અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ જેઠના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જેઠનો મિત્ર અવારનવાર પાડોશીના ઘરે આવતો હોય જેના કારણે તેણે પરિણીતા સાથે મિત્રતા કરી અને ધમકીઓ આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે પરિણીતાએ પતિ સહિતના પરિવારજનોને જાણ કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
સિલાઇકામ કરે છે પરિણીતા : અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 37 વર્ષીય નમ્રતા (નામ બદલ્યું છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. નમ્રતાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે સિલાઈ કામ કરે છે, નમ્રતાને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે અને તેનો પતિ પટાવાળા તરીકે નોકરી કરે છે.
પરિણીતાની હેરાનગતિ : નમ્રતાના જેઠનો મિત્ર વિનોદ કટારીયા અવારનવાર જેઠના ઘરે આવતો હોય છેલ્લા દસ વર્ષથી નમ્રતા તેને ઓળખતી હતી. તે ગોમતીપુરમાં રહેતી હોય ત્યાં તેની બાજુમાં આવેલા મકાનમાં રહેતા વ્યક્તિ સાથે પણ વિનોદ કટારીયાને મિત્રતા હોય તે ત્યાં પણ અવારનવાર આવતો હતો અને નમ્રતાના દીકરાને ચોકલેટ આપતો હતો. વર્ષ 2016 માં વિનોદ કટારીયાએ એક કાગળમાં પોતાનો મોબાઈલ નંબર લખીને નમ્રતાને આપ્યો હતો અને નમ્રતાએ તે નંબર પર ફોન કરતા વિનોદે પોતાની સાથે સંબંધ રાખવાનું કહ્યું હતું. જો કે નમ્રતાએ ના પાડી હતી. જે બાદ પણ વિનોદે અવારનવાર તેને ફોન કરીને નમ્રતા પોતાની સાથે સંબંધ ધરાવે છે તેવું તેના જેઠને ખોટું કહીને હેરાન કરી દઈશ તે પ્રકારની ધમકીઓ આપતો હતો.
આ પણ વાંચો Surat Crime : દવા લેવાના બહાને બોલાવી હેલ્થ વર્કરે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું
વારંવાર ધમકી આપી : વિનોદ કટારીયા નમ્રતાના પાડોશના મકાનમાં આવતો હતો ત્યારે નમ્રતાનો પતિ નોકરીએ ગયો હોય અને બાળકો સ્કૂલે ગયા હોય તે સમયે તેના ઘરે આવીને તું મારી સાથે સંબંધ રાખ નહિતર હું તારા જેઠને તારે મારી સાથે આડા સંબંધો છે. તે બાબતની જાણ કરી દઈશ તેવી ધમકી આપતો હતો. જેના કારણે નમ્રતા ધમકીને વશ થઈ હતી અને તેની સાથે વાતચીત કરતી હતી.
હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું :વર્ષ 2016માં નમ્રતા કામથી બહાર ગઈ હતી, તે સમયે ન્યુ કોટન ચાર રસ્તા પાસે વિનોદ કટારીયા તેને મળ્યો હતો અને પોતાની બાઈક પર બેસાડીને એલજી હોસ્પિટલ પાસે આવેલી તુલસી હોટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં વિનોદે નમ્રતાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરી ધમકીઓ આપી સંબંધ બાંધ્યો હતો. બાદમાં પણ અલગ અલગ સમયે ત્રણેક વખત તેજ હોટલમાં લઈ જઈ નમ્રતાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો. તેમજ એક વાર ઓઢવ ખાતે આવેલી હોટલમાં પણ લઈ જઈ નમ્રતાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પણિતાના જેઠે મિત્રને ઠપકો આપ્યો : જે બાદ વિનોદ કટારીયાની અવારનવાર હેરાનગતિના કારણે તે વખતે નમ્રતાએ આ બાબતની જાણ પતિ અને જેઠને કરી હતી. જોકે વિનોદ કટારીયા જેઠનો મિત્ર હોય જેના કારણે નમ્રતાના જેઠે તેને ઠપકો આપ્યો હતો. તે બાદ વિનોદ કટારીયાએ નમ્રતાને હેરાન કરવાની બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો પરિણીતા પર 3 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો અને બાદમાં કરી હત્યા
ફોટો વાયરલ કરવાની ધમકી આપી :જોકે છેલ્લા ત્રણ મહિનાથી વિનોદ કટારીયાએ કોઈપણ રીતે નમ્રતાની દીકરીના મોબાઈલ પર વ્હોટ્સએપ કોલ કરી નમ્રતા સાથે અભદ્ર વાતો કરીને ફરીથી સંબંધ રાખવા માટે જણાવતો હતો, જોકે નમ્રતાએ તેને ના પાડી હોવા છતાં પણ 27મી માર્ચ 2023ના રોજ વિનોદ કટારીયાએ નમ્રતાને બહાર બોલાવી હતી. તે સમયે વિનોદે પોતાના ફોનમાં નમ્રતાના ફોટા બતાવીને જો તે પોતાની સાથે સંબંધ નહીં રાખે તો તેના ફોટા યુટ્યુબ પર તેમજ ફેસબુક પર વાયરલ કરી દેશે તે પ્રકારની ધમકીઓ આપી હતી.
આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરુ :જે બાદ નમ્રતાને વિનોદ કટારીયા દ્વારા અવારનવાર રસ્તામાં આવતા જતા હેરાન કરવામાં આવતી હોય અને આ સમગ્ર મામલે 4 એપ્રિલ 2023ના રોજ પણ તેણે ફોન કરીને સંબંધ રાખવા માટે અને વાતચીત કરવા માટે દબાણ કરતાં નમ્રતાએ પતિ અને પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી હતી. અંતે સમગ્ર મામલે વિનોદ કટારીયા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI એ.જે પાંડવે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં આવી છે.