હીરાવાડી ચાર રસ્તા પાસેથી આ ગુનામાં સંડોવાયેલા મહેન્દ્રસિંહ રાજપુરોહિત નામના શખ્સની ધરપકડ કરી અમદાવાદ : અમદાવાદના માણેકચોકમાં બુલિયન ટ્રેડરને ગ્રાહક બનીને આવેલા રાજસ્થાની યુવકનો માઠો અનુભવ થયો હતો. સોનાચાંદી અને બુલિયનના વેપારીઓ માટે આ લાલબત્તી ધરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં લાખો રૂપિયાનું સોનું ખરીદવા અને નકલી નોટો મેળવવા બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો : આ યુવકે અમદાવાદના જાણીતા સોનીબજાર માણેકચોકના વેપારીને નકલી નોટો આપીને 400 ગ્રામ સોનું લીધું હતું. અમદાવાદના માણેકચોકમાં આવેલી એનજી બુલિયન પેઢીના માલિક નેનારામ ઘાચીને 25મી જાન્યુઆરીના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને હું નાકોડા બુલિયનની વાત કરું છું અને એક કિલો સોનું ખરીદવાની વાત કરી હતી. જોકે, વેપારી પાસે એટલું સોનું ન હોવાથી તેણે 500 ગ્રામ સોનું ખરીદવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો Ahmedabad Crime : વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર બાપ દીકરાને પકડ્યા
30 લાખમાંથી 29 લાખથી વધુની નોટ નકલી : જે બાદ 26મી જાન્યુઆરીએ સાંજે આસ્ટોડિયા પાસે સોનાની ડિલિવરી માટે પેઢીના એક માણસને બોલાવવામાં આવ્યો હતો. 400 ગ્રામ સોનાની ડિલિવરી મળી હતી અને 30 લાખ રૂપિયા ભરેલી થેલી આપી હતી. જે બાદ પેઢીનો કર્મચારી પેઢી પર પહોંચ્યો હતો અને ફરિયાદી વેપારીને રોકડ આપી ત્યારે તેણે બેગમાં રાખેલા 30 લાખમાંથી 29 લાખથી વધુની નોટ નકલી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો
છેતરાયેલા વેપારીએ કરી પોલીસ ફરિયાદ : પોતાની સાથે થયેલી છેતરપિંડી માલૂમ પડતાં વેપારીએ ખાડિયા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલો આરોપી બાપુનગર તરફનો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે હીરાવાડી ચાર રસ્તા પાસેથી આ ગુનામાં સંડોવાયેલા મહેન્દ્રસિંહ રાજપુરોહિત નામના શખ્સની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં
રાજસ્થાનના યુવકની ધરપકડ : રાજસ્થાનના પાલીના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે લૈમા મહેન્દ્રસિંહે પોતાની મોજશોખ માટે લીધેલી કાર લોન અને પર્સનલ લોનનું દેવું ચૂકવવા માટે આ રીતે પૈસા કમાવવાનો શોર્ટકટ પ્લાન બનાવ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ પાસેથી 17 લાખ 37 હજારની કિંમતનું 300 ગ્રામ સોનું કબજે કર્યું છે. આરોપીએ અન્ય 100 ગ્રામ સોનાનું શું કર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
ડમી નંબરથી કોલ કર્યો : પકડાયેલો આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો હતો કે પકડાયો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીની એનજી બુલિયન પેઢીનો નંબર ગુગલ પરથી મેળવ્યો હતો અને તેણે ડમી નંબર પરથી વેપારીને ફોન કરીને છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ કાર લોન અને લીધેલી પર્સનલ લોન ચૂકવવા માટે આ ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું છે. છેતરપિંડીના આ કેસમાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.