એક વર્ષે નોંધાઈ હત્યાની ફરિયાદ, પતિએ પત્નીનો જીવ લીધો જાણો સમગ્ર મામલો... અમદાવાદ :રખિયાલ વિસ્તારમાં એક વર્ષ અગાઉ થયેલી મહિલાની મોત મામલે હવે હત્યાનો ગુનો નોંધાયો છે. મહિલાના પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગેની માહિતી પી.એમ. રિપોર્ટમાં સામે આવી હતી. લગ્ન બાદથી પતિ અને પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતે તકરાર ચાલતી રહેતી હતી. અંતે પતિએ રાતના સમયે બાળકો અને પત્નીના સુઈ ગયા બાદ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અને તે ફરાર થઈ ગયો હતો. જોકે એક વર્ષ બાદ ફરિયાદ નોંધાવા પાછળનું કારણ પોલીસ ફરિયાદી ફરિયાદ કરવા આવતા ન હોવાનું જણાવી રહી છે.
હત્યારો પતિ :પોલીસમાંથી મળતી માહિતી અનુસાર 1 ઓગસ્ટ 2022 માં આ બનાવ બન્યો હતો. રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ મોહમદ સલામત સબ્જીફરોસ અને ત્રણ બાળકો સાથે ઘરમાં હાજર હતી. રાત્રે પતિ સાથે ઝઘડો થયો અને બાદમાં મહિલા બાળકોને લઈને સુઈ ગઈ. બીજા દિવસે સવાર પડતા બાળકો ઉઠ્યા અને માતાને ઉઠાડવાનો પ્રયાસ કરતા માતા નિંદરમાંથી જાગી નહી. ઘરમાં પિતા પણ ન દેખાતા બાળકો ડરી ગયા હતા. અંતે બાળકોએ નજીકમાં રહેતા સ્વજનને જાણ કરી કે, મમ્મી બોલતી નથી કે ઉઠતી નથી. જેથી તેઓ ઘરમાં આવતા મહિલા ઘરમાં બેડ પર મૃત હાલતમાં જોવા મળી હતી.
ભારે અઘરો કિસ્સો : આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા પતિ મોહમદ ત્યાં હાજર ન મળ્યો. પોલીસે સૌથી પહેલા મહિલાના મૃતદેહને પેનલ પીએમ માટે રવાના કર્યો હતો. ત્યારબાદ અકસ્માતે મોતનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાના મૃતદેહ પર કોઈપણ જાતની ઈજાના નિશાન મળ્યા નહોતા. આથી પોલીસ માટે મોતનો ભેદ ઉકેલવા અઘરો પડ્યો હતો. જોકે તેનો પતિ પણ રાતથી અચાનક ગુમ થઈ ગયો હોવાથી તેના પર પણ શંકા હતી. પોલીસે પરિવારજનોના નિવેદન લઈને પેનલ પીએમ અને FSL ની મદદ લીધી હતી.
આ મામલે અગાઉ અકસ્માત મોત દાખલ થઈ હતી. ગત વર્ષે દસમા મહિનામાં પીએમ અને FSL રિપોર્ટ આવી ગયા હતા. જેમાં હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો. પીએમ FSL રિપોર્ટ મોડા નથી આવ્યા પરંતુ ફરિયાદી ફરિયાદ કરવા અમદાવાદ ન આવતા આ ફરિયાદ આટલા સમય બાદ દાખલ થઈ છે. આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ ચાલુ છે.-- આર.ડી. ઓઝા (ACP, એચ ડિવિઝન અમદાવાદ)
FSL રિપોર્ટ :આ ઘટનાના બે-અઢી મહિના બાદ ઓક્ટોબર મહિનામાં મૃતક મહિલાનો પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવ્યો હતો. જેમાં તેની મોતનું કારણ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસને પતિ પરની શંકા સાચી નીકળી પરંતુ ત્યાર સુધી પણ મહિલાનો પતિ પોલીસને હાથે લાગ્યો ન હતો. પોલીસ છેક બિહાર સુધી જઈ આવી પરંતુ આરોપી પતિ મળ્યો ન હતો. જે બાદ પોલીસે મૃતક મહિલાના પરિવારજનોને આ અંગે તેના પતિ સામે હત્યાની ફરિયાદ કરવા સંપર્ક કર્યો હતો. પરંતુ તેના ભાઈએ બહેન ગુમાવી હોય અને બનેવી ફરાર હોય જેથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે 10 મહિનાની મહેનત બાદ અંતે તેના ભાઈ અબ્દુલ કલામ સબ્જીફરોસે રખિયાલ પોલીસ મથકે 22 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.
હત્યારો ફરાર :32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009માં મોહમદસલામત સબ્જીફરોસ સાથે થયા હતા. ત્યારબાદ મહિલા તેના પતિ અને બાળકો સાથે વર્ષ 2020 માં રખિયાલ ખાતે રહેવા આવી હતી. લગ્ન બાદ પતિ અવારનવાર પત્ની સાથે નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જેમાં ગત 1 ઓગસ્ટ 2022માં પતિ -પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ પતિએ ઉશ્કેરાઇને પત્નીનું ગળું દબાવી દીધું હતું. જેમાં મહિલાનો શ્વાસ રૂંધાઇ જવાથી ત્રણ બાળકોની માતાનું મોત નીપજી ચૂક્યું હતું. પત્નીને મોતને ઘાટ ઉતર્યા બાદ આરોપી પતિ ઘરમાંથી ભાગી ગયો હતો.
પોલીસ તપાસ : આ અંગે રખિયાલ પોલીસે પતિ મોહમદસલામત સબ્જીફોરસ સામે હત્યા અને ઘરેલું હિંસાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. લગ્ન જીવનનો કરૂણ અંજામ આવતા હાલ તો બાળકો નિરાધાર થયા છે. જોકે એ રાત્રે પતિ અને પત્ની વચ્ચે એવો કઈ બાબતનો ઝઘડો થયો કે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આવા અનેક સવાલોના જવાબ તો આરોપીના પકડાયા બાદ જ સામે આવશે.
ગંભીર ગુનો : સામાન્ય રીતે કોઈ પણ પણ ગંભીર ગુનાની ઘટનામાં FSL રિપોર્ટ ખૂબ જ અગત્યનો રહે છે. તેવામાં અમુક કેસમાં આ રિપોર્ટ મોડો મળતો હોવાથી આરોપીઓ ફરાર થવામાં સફળ થાય છે. આ ઘટનામાં જો રિપોર્ટ વહેલો મળી ગયો હોત તો આરોપી અત્યારે જેલના સળીયા પાછળ હોત. પરંતુ પોલીસે રિપોર્ટની રાહ જોઈ અને રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદીની રાહ જોઈ એમાં આરોપીને ફરાર થવાનો મોકળો માર્ગ મળી ગયો હોય તેવુ આ કેસમાં જોવા મળ્યું છે.
- Ahmedabad Crime News: સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પાસે ચપ્પુની અણીએ વારંવાર પડાવ્યા પૈસા, પરિવારે આરોપીને ઝડપી કર્યો પોલીસ હવાલે
- Ahmedabad Crime: નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો