અમદાવાદ: સગીર બાળકોનેે વાહન ચલાવવા આપવું એ માતાપિતા માટે ગુનો છે. આ કાયદાનું ભાન હાલમાં ગુજરાત પોલીસે કેટલાક માતાપિતાને ચોક્કસ થઇ ગયું છે. કારણ કે તેમના સગીર બાળકોએ વાહન ચલાવી અકસ્માત સર્જયાં છે. હાલમાં અસલાલી રોડ પર સર્જાયેલા વાહન અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ કેસમાં અમદાવાદ પોલીસ દ્વારા સગીરના માતાની ધરપકડ કરવામાં આવી હતી. સગીર બાળકોને વાહનની ચાવી સોંપવાની ભૂલ શું છે? તેવી બાબતો જાણીએ. વાલીમંડળે સગીરોને ગિયર વગરના વાહનો ચલાવવા માટેના લાયસન્સ અપાવવાની ડ્રાઇવ પણ યોજી હતી. ત્યારે અમદાવાદ પોલીસના અધિકારીઓ અને વાલીમંડળનું શું માનવું છે તે વિશે તપાસ કરી હતી.
કેસ-1 નારોલ વિસ્તાર :અમદાવાદ શહેરમાં સગીર બાળકો વાહન ચલાવી અકસ્માત કરે તેના કારણે મોત થયું હોય તેવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આ ઘટના શામેલ છે. નારોલ સર્કલથી અસલાલી બ્રિજ તરફ જવાના રોડ ઉપર બાઈક લઈને ત્રણ સગીર જઈ રહ્યા હતાં તે સમયે એક ટ્રકની પાછળ બાઈક અથડાયું હતું. અકસ્માતમાં સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે સગીર ગંભીર ઇજાગ્રસ્ત થયાં હતાં. આ મામલે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે સગીરને તેની માતાએ બાઇક આપી હતી. આ હકીકત સામે આવતા ટ્રાફિક પોલીસે સગીરની માતા રંજનબેન રાઠોડ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.
કેસ-2 ચંદ્રનગર વિસ્તારઃ જ્યારે અન્ય ઘટનાની વાત કરીએ તો 14 મી ફેબ્રુઆરીએ ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરમાં મોપેડ લઇને ત્રણ સગીરો ઘૂસ્યાં હતાં. ત્યારે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેમાં બીઆરટીએસ ટ્રેકમાં મોપેડથી કૌશિક સોલંકી નામના 14 વર્ષીય સગીરને ટક્કર વાગી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે તેના પિતા અંબાલાલ સોલંકી અને માતા ગૌરીબેન સોલંકી સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી.
કેસ-3 વિસ્તાર સરદાર નગર: અન્ય એક ઘટનાની વાત કરીએ તો સરદારનગર વિસ્તારમાં આવતા કુબેરનગરમાં 16 વર્ષની સગીરા ટુવ્હીલર પર સ્કૂલે ગઈ હતી. તેણે પોતાની સોસાયટીમાં રહેતા સગીરને તેનું ટુવ્હીલર ચલાવવા માટે આપ્યું અને અચાનક જ ટુવહીલર સ્લીપ થતા બંને સગીર રોડ ઉપર પટકાયા હતાં. જેમાં સગીર દેવેશ જસરાજાણી નામના સગીરનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પણ ટ્રાફિક પોલીસે સગીર યુવતીના માતાપિતા સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.
શું કહે છે અમદાવાદ પોલીસઃઆ ત્રણેય કેસ વાંચીને આપ સમજી જશો કે, આજના સમયે સગીરઓનું વાહન ચલાવવું કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. આ જાણીને આશ્ચર્ય થશે કે, એક મહિનામાં દસ સગીરાઓનું મૃત્યું અકસ્માતને કારણે થયું છે. અમદાવાદ શહેર પોલીસ ઘણીવાર વાલીઓને સગીર બાળકોને વાહનો ન આપવા માટે અપીલ કરતી રહે છે. તેમ છતાં પણ માતાપિતા દ્વારા સગીર બાળકોને વાહનો આપવામાં આવતા હોવાથી અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સમગ્ર કેસ મામલે અમદાવાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
સગીરો વાહન ચલાવે છે, તે બાબતે અનેક વખત મુહીમ તળાવમાં આવી છે. આ બાબતની જાગૃતતા માટે શાળાઓમાં જઈને અને એનજીઓ દ્વારા જાહેરાતો પણ કરવામાં આવી છે. આ બાબતે અમે અનેક પ્રયાસો કર્યા છે, સગીરો દ્વારા અકસ્માત થાય છે, તો અમે માતા પિતા સામે કેસ દાખલ કરીએ છીએ. પરંતુ આ ગુના દાખલ કરવાથી આ કામ પૂરું થતું નથી. આપણે જાગૃત રહેવાની જરૂર છે. બાળકોને લાયસન્સ મળે તો જ તેને વાહનો આપવા જોઈએ અને તેઓમાં ટ્રાફિક અવેરનેસ લાવી જોઈએ અને આ પ્રકારે અકસ્માતો ને અટકાવવા જોઈએ.
સગીર બાળકો વાહનો ન ચલાવે તે માટે પોલીસ દ્વારા શાળાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ટ્રાફિક પોલીસ હજુ પણ લોકોને સતત અપીલ કરતી રહી છે કે સગીરને વાહન ન આપો.-- એન. એન. ચૌધરી (સંયુક્ત પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ)