હથિયારો સાથે 6 શખ્સોની ધરપકડ અમદાવાદ : ગુજરાત એટીએસ ટીમે હથિયારો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે અનિલ જાંબુકિયા તેમજ અનિરુદ્ધ નામના બે શખ્સો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે પીસ્ટલ તેમજ દેશી તમંચા લઈને અમદાવાદમાં આવનારા છે. ગુજરાત ATS એ બાતમીના આધારે ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અનિલ જાંબુકિયા તેમજ અનિરુદ્ધ ખાચર નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. જેઓની તપાસ કરતા તેમની સાથે ગુનામાં શામેલ વધુ 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.
હથિયાર વેચવાનું નેટવર્ક તોડાયું : એક દોઢ વર્ષ પહેલાં ગુજરાત એટીએસની ટીમે ગુજરાતના અલગ અલગ શહેરોમાં હથિયારોનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ત્યારે તે જ પ્રકારનું એક નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અલગ અલગ 6 શખ્સોને ઝડપી પાડી તેઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો કબજે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Surat Crime : સુરત એસઓજી અને એટીએસનું ઓપરેશન, 4 કરોડથી વધુ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક નોટ ઝડપી
કોણ કોણ ઝડપાયું :જેમાં ગીતામંદિર પાસેથી પકડાયેલા અનિલ જાંબુકિયા તેમજ અનિરુદ્ધ ખાચર નામના આરોપીની તપાસ કરતા સામે આવ્યું હતું કે ચાર જેટલા ઈસમો ગેરકાયદેસર હથિયાર ધરાવે છે. જેથી ગુજરાત એટીએસની ટીમે ચોટીલા, સુરેન્દ્રનગર, રાજકોટ અલગ અલગ જગ્યાઓ પરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ભાવેશ મકવાણા, કૌશલ ઉર્ફે કવો દશાડીયા, ભાવેશ ઉર્ફે પ્રવીણ ધોડકિયા અને ઘનશ્યામ ઉર્ફે ટિકટોક મેરની ધરપકડ કરવામાં આવી છે.
કેટલા હથિયાર પકડાયાં : ગુજરાત એટીએસની ટીમે આ સમગ્ર મામલે કુલ 15 ગેરકાયદે પિસ્તોલ તેમજ પાંચ દેશી તમંચા અને 16 કારતુસ કબજે કર્યા છે. તેવામાં આરોપીઓએ ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિ સમય અગાઉ આ હથિયારોનો કોઈ ગુના માટે ઉપયોગ કર્યો છે કે કેમ તેમ જ આ હત્યારોની મદદથી કોઈ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો વડોદરા ગુજરાત ATSને કાચની બોટલો મળી આવી, ડ્રગ્સ પ્રોસેસિંગમાં ઉપયોગની આશંકા
હિસ્ટ્રીશીટર આરોપીઓ પકડાયાં : આ મામલે પકડાયેલા આરોપીઓમાં અનિરુદ્ધ ખાચર વિરુદ્ધ અગાઉ રાજકોટ રૂરલ જિલ્લામાં હત્યાનો ગુનો નોંધાયો હતો તેમજ ભાવેશ ઉર્ફે ધોળકિયા વિરુદ્ધ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને મારામારીનો ગુનો નોંધાયો હતો. ભાવેશ મકવાણા વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધાયેલો છે તેમજ ઘનશ્યામ ઉર્ફે ટિકટોક મેર વિરુદ્ધ 2016 માં સાયલામાં લોટનો ગુનો નોંધાયો છે. જ્યારે કૌશલ ઉર્ફે કવો દસાડિયા સામે વર્ષ 2013માં જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો તેમજ પ્રોહીબિશનનો કેસ થયો હતો અને અનિલ જાંબુકિયા વિરુદ્ધ પ્રોહીબિશનના ગુના અગાઉ દાખલ થયા છે.
અન્ય રાજ્યોમાં નેટવર્ક :પકડાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ ખાણ ખનીજની ચોરીના ગેરકાયદે કામ સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ આ હથિયારો પોતાની પાસે રાખતા હતા. જોકે મળી આવેલા હથિયારો કોઈ જગ્યાએ ઉપયોગમાં લેવા છે કે કેમ તે બાબતે ગુજરાતી એટીએસે તપાસ હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં જેઓની પાસેથી ખરીદીને આ હથિયાર લાવ્યા હતા તેઓને પકડવા માટે ગુજરાત એટીએસએ તપાસ તેજ કરી છે.
આરોપીઓની વધુ પૂછપરછ : આ અંગે ગુજરાત એટીએસના DYSP હર્ષ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ બે આરોપીઓને પકડીને તપાસ કરતા અન્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા હતાં. જેઓને પકડીને હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.