અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. મોપેડ ઉપર જઈ રહેલા યુવકને કારથી ટક્કર મારી તેમજ મૂઢ માર મારીને છ શખ્સો ફરાર થઈ જતા આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે તેમાં દેખાતા કારમાં સવાર શખ્સોને પકડવા કવાયત શરૂ કરી છે.
શું બની ઘટના : અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતા જુબેર અન્સારી નામના 35 વર્ષીય યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલી મે ના રોજ રાત્રે સવા બાર વાગે તે પોતાના મિત્રો સદ્દામ અન્સારી, ફિરોજ ખાન પઠાણ, અહેમદ અલી ઉર્ફે લલન સાથે નારોલ બેઠો હતો અને ત્યાંથી પોતાની ટુ વ્હીલર લઈને મિત્ર સાથે બાપુનગર જવા નીકળ્યો હતો. તે દરમિયાન ઘોડાસર આલોક પુષ્પક બંગલોઝની સામે કેનાલ ઉપર પહોંચતા તેના મિત્ર સદ્દામ તેમજ લલન પોતાની એક્સેસને લઈને પસાર થઈ રહ્યા હતા, તે સમયે એક ફોરવિલ ગાડીએ તેઓને ટક્કર મારીને નીચે પાડ્યા હતા. જેથી જુબેર તેમજ ફિરોજ ત્યાં ઉભા રહ્યા, ત્યારે એક બ્રેજા અને એક ક્રેટા ગાડીમાથી છ થી સાત જેટલા ઇસમો બહાર નીકળ્યા હતા જેથી સદામ અને લલન તેની એક્સેસ મૂકીને બાજુની સોસાયટીમાં ભાગી ગયા હતા.
આ પણ વાંચો CCTV of Attack : જામનગરમાં મહિલાઓ પર હુમલા, CCTV જૂઓ
બેઝબોલના દંડા અને ધોકાથી હુમલો : હુમલા સમયે જુબેર પોતાની ગાડી લઈને ઘોડાસર પીડી પંડ્યા કોલેજ રોડ ઉપર ભાગ્યો હતો, તે સમયે બંને ફોરવ્હીલ ગાડીઓ જુબેરની પાછળ પીછો કરીને આવી હતી અને જુબેર અન્સારીની ગાડીને ટક્કર મારી નીચે પાડી દીધો હતો. બંને ગાડીમાંથી છથી સાત જેટલા શખ્સોએ નીકળીને બેઝબોલના દંડા તેમજ ધોકાઓ લઈને "આજે તો તારૂ મર્ડર કરી નાખવાનું છે" તેમ કહીને જુબેર અન્સારીને માર મારવાનું શરૂ કર્યું હતું.
લોકોએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો : યુવકને માર મારવામાં આવતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી જેથી આજુબાજુના માણસો એકઠા થયા હતાં. જોકે તે અર્ધબેભાન જેવો થઈ જતા તમામ ઇસમો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ જુબેરને ગંભીર ઇજાઓ થઈ હોય 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા વટવા પોલીસે અત્યારના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ અજાણ્યા 6 લોકો સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Surat crime news: સુરતમાં 55 વર્ષીય આધેડની હત્યા, શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ
ફરિયાદી યુવક પણ પાસાની સજાવાળો : આ અંગે જે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ અંગે વટવા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી છે. ફરિયાદી યુવક પણ અગાઉ નારોલમાં મારામારી સહિતના ગુનામાં સામેલ હોઇ અને પાસા પણ ભોગવી ચુક્યો હોય જૂની અદાવત મામલે તપાસ હાથ ધરાઈ છે.