અમદાવાદઃ શહેરમાં ક્રાઈમ રેટ દિવસે દિવસે વધી રહ્યો છે. જેની સામે પોલીસ સમયાંતરે મોટી કામગીરી કરે છે. વસ્ત્રાપુર વિસ્તારમાં મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. અમદાવાદનાં વસ્ત્રાપુર લેક પાસે આવેલી ચારકોલ રેસ્ટોરેન્ટમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક રસોઈ કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
કોણ છે આ વ્યક્તિઃમૂળ બિહારનો અને અમદાવાદના નવરંગપુરામાં રહીને વસ્ત્રાપુરની હોટલમાં રસોઈયા તરીકે કામ કરતા 21 વર્ષીય સતીષ રામકરણ પાસવાન નામનાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તારીખ 7મી મેના રોજ રાતના બે અઢી વાગે રેસ્ટોરેન્ટ સતીષ પાસવાન હાજર હતો. આરોપી પવન સુરી સાફ સફાઈ કરી રહ્યો હતો. તે દરમિયાન મેનેજર તરફથી આપવામાં આવેલા કસ્ટમરના ઓર્ડરની ચીઠ્ઠી પવન કુમારે સતીષ પાસવાનને ન આપી પોતાના પાસે મુકી રાખી હતી.
મોટી બોલાચાલીઃ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ બન્ને વચ્ચે છુટા હાથની મારમારી થતા સતીષ પાસવાન નીચે ઢળી ગયો હતો અને બેભાન થઈ જતા તેને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી સમગ્ર બનાવના સીસીટીવી મળી આવ્યા હતા. બાદમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ અને પુછપરછ શરૂ કરી હતી. મૃતકની મોતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો.
આરોપી અને મૃતક બંને બિહારના રહેવાસી છે, આરોપી 6 મહીના પહેલા અમદાવાદ કામ માટે આવ્યો હતો, કસ્ટમરનો ઓર્ડર લેટ આપવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આ મામલે અભિરામ પાસવાન નામના વ્યક્તિની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.---જે.કે ડાંગર (વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI)
ઊંડી તપાસ કરીઃઆ કેસમાં પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી જ્યાં કામ કરી રહ્યો હતો ત્યાંના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. પછી પોલીસે પોતાના સુત્રો પાસેથની ચોક્કસ બાતમી થકી આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી કરી છે. જોકે, આ કેસમાં હજું પોલીસ આરોપીની આકરી ઢબે પૂછપરછ કરી રહી છે.