અમદાવાદ : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરવા મામલે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતના વડાપ્રધાન વિશે ખોટી પોસ્ટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
સાયબર ક્રાઇમે ધરપકડ કરી :સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ અન્ય વ્યક્તિ વિશે પોસ્ટ કરવા કે લખાણ કરતા પહેલા વિચારતું નથી અને અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે, ત્યારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે એક એવા યુવકની ધરપકડ કરી છે, જેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી પોસ્ટ શેર કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: ખાલીસ્તાની ધમકી મામલે ઝડપાયેલા આરોપીઓ પાસે વધુ બે સિમ બૉક્સ મળ્યા, તપાસમાં અનેક ખુલાસા...
સોશિયલ મીડિયા પર મોનિટરિંગ : સાયબર ક્રાઇમની ટીમ અલગ અલગ રીતે સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરી રહી હતી. તે દરમિયાન 25/03/2023 ના બપોરના સમયે સાયબર ક્રાઇમ આ ધ્યાને આવ્યું હતું કે ફેસબુક પર એક યુવકે પોતાની આઈડીથી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી એક પોસ્ટ તેમજ ભારત દેશના વડાપ્રધાન વિશે જેમ ફાવે તેમ લખાણ કરીને પોસ્ટ શેર કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.
યુવકની ધરપકડ :જે સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેન્સ મારફતે તપાસ કરી ફેસબુક પોસ્ટ કરનાર શેતલભાઇ વસંતભાઈ લોલિયાણી નામના યુવકની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કરી આ પ્રકારની પોસ્ટ કરવા પાછળનું કારણ જાણવા માટે સાયબર ક્રાઇમે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
ટ્યુશન ટીચર યુવક : આ અંગે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમના ACP જે એમ યાદવે જણાવ્યું હતું કે ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં સામેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નડિયાદનો રહેવાસી હોવાનું અને ખાનગી ટ્યુશનમાં ટીચર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાનને જાનથી મારી નાખવાની પોસ્ટ કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.