અમદાવાદ : ટેકનોલોજીના આ યુગમાં એક તરફ યુવાધન કોમ્પ્યુટર અને લેપટોપને પોતાનો હથિયાર બનાવી પોતાની કારકિર્દી આગળ વધારી રહ્યા છે, પરંતુ એક એવો પણ વર્ગ છે, જે હથિયારો પોતાની પાસે રાખવા માટે દિવસ રાત મથામણ કરી રહ્યું છે. અમેરિકા જેવા દેશમાં દર બીજા મકાનમાં હથિયાર મળે તે ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ ભારતમાં કોઈપણ પ્રકારનું હથિયાર પોતાની પાસે રાખવા કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જોકે છતાં પણ હથિયારોના લાયસન્સ લેવા માટે અમદાવાદના યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
શહેરમાં કેટલા લોકો પાસે લાયસન્સ : અમદાવાદ શહેરમાં ફાયર આર્મસ લેવા માટે લાયસન્સ મેળવવું ફરજીયાત હોવાથી તેના માટે કરવામાં આવતી અરજીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં હાલની સ્થિતિએ 5800 કરતા વધુ લોકોને હથિયારોના લાયસન્સ પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે. જોકે હજુ પણ અનેક લોકોની અરજીઓ પોલીસ પાસે આવી છે. જેમાં નિયમ અનુસાર અને જરૂર લાગે ત્યારે પોલીસ દ્વારા જે તે અરજદારને હથિયાર રાખવાનો ભરવાનો એટલે કે લાયસન્સ આપે છે.
આ કારણોથી લોકો માંગે છે લાયસન્સ :શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેકટર દ્વારા હથિયારોના લાયસન્સ આપવામાં આવતા હોય છે. જેમાં સ્વરક્ષણ, પાક રક્ષણ તેમજ નિવૃત્ત આર્મી જવાન અથવા તો સિક્યુરિટી ગાર્ડ, દાગીના અને રોકડ તેમજ જમીનના કામ ધંધામાં જરૂર પડે ત્યારે આવા કારણોસર પોલીસ પાસેથી હથિયારોના લાયસન્સની માંગ કરવામાં આવે છે.
આ રીતે કરી શકાય છે અરજી :અમદાવાદ શહેર વિસ્તારમાં જો કોઈ વ્યક્તિને નવા હથિયારની પરવાનગી લેવી હોય તો તેના માટે જરૂરી કારણ જણાવવું ફરજિયાત હોય છે. અરજદારને www.ndal-alis.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેમાં અરજી સાથે સ્વપ્રમાણિત પાનકાર્ડ, આધારકાર્ડ, હથિયાર ચલાવવા અને સાચવવા સંબંધે તાલીમ લેવા તાલીમ લીધા બાબતનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર, હથિયાર સાચવવાની માહિતી, મેડિકલ સર્ટિફિકેટ વગેરે દસ્તાવેજો અરજી સમયે સામેલ કરવાના હોય છે.
રમત ગમત અને ધંધાકીય હેતુ માટે : રમત ગમતના હેતુ માટે કરવામાં આવતી અરજી સમયે રમત ગમતના સર્ટિફિકેટ, એસપાયરીંગ શૂટરનું સર્ટિફિકેટ, એનઆરઆઇ અથવા તો સ્ટેટ શૂટર આઈડી, ક્લબ મેમ્બરશીપનો પુરાવો અરજી સાથે રજૂ કરવાનો હોય છે. ધંધાકીય હેતુ માટે હથિયાર પરવાનો મેળવવા માટે ધંધાનો બે વર્ષનો ઓડિટ રિપોર્ટ, ત્રણ વર્ષનું બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા ત્રણ વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન વગેરે રજુ કરવાનું હોય છે.
લાયસન્સની અરજી કર્યા બાદ : ઓનલાઇન હથિયાર માટે અરજી કર્યા બાદ તેની હાર્ડ કોપી, પૈસા ભર્યા અંગેનું ચલણ અને તમામ જરૂરી દસ્તાવેજો કમિશનર કચેરીમાં લાઇસન્સ શાખામાં જમા કરાવવાની હોય છે. જે બાદ લાઇસન્સ માટેની આગળની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે. પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ અરજદારને ખરેખર હથિયારની જરૂર છે કે કેમ તે તમામ હકીકતોની ખરાઈ કર્યા બાદ જ તેને હથિયારનું લાયસન્સ આપવામાં આવે છે જે લાઇસન્સને દર ત્રણ વર્ષે રીન્યુ કરાવવું પડતું હોય છે. હથિયારના લાયસન્સ મેળવીને હથિયાર રાખવું તે અયોગ્ય બાબત નથી, પરંતુ ઘણીવાર તે હથિયારોનો દૂર ઉપયોગ પણ કરવામાં આવતો હોવાની બાબતો સામે આવી છે, જેના કારણે હથિયારોના દૂર ઉપયોગ બાબતે સજા અને દંડની જોગવાઈ પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
પ્રસંગો, ઉજવણી, મોજશોખ માટે હથિયાર : લગ્ન અને અન્ય પ્રસંગોમાં આનંદ વ્યક્ત કરવા માટે તેમજ મોજશોખથી પ્રસંગની ઉજવણી વખતે કરવામાં આવતા ફાયરિંગ માટે બે વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ વર્ષ 2019માં કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે આર્મ્સ એકટ 1959ની જોગવાઈઓમાં સુધારા કરવા માટે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર સમારંભો ધાર્મિક સ્થળોએ ઉજવવામાં આવતા પ્રસંગો લગ્નની પાર્ટીઓ અને અન્ય પ્રસંગોએ જે લોકો ફાયરિંગ કરે તેઓની સામે આ કાર્યવાહી કરવામાં આવે છે.