અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસ માટે જનતા કરફ્યુનો અમલ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો સમગ્ર દેશમાં ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી 21 દિવસ માટે lockdown ની સૂચના આપવામાં આવતા સમગ્ર ભારત દેશ જાણે કે જ્યાં હોય ત્યાં થંભી ગયો છે.
ત્યારે મુંબઇથી વેપારી જયકર પટેલ અમદાવાદમાં પોતાના બિઝનેસ અર્થે કાલુપુરમાં આવ્યાં હતાં અને કામકાજ પતાવીને તેઓ કાલુપુરમાં આવેલી એક હોટેલમાં રોકાયાં હતાં. અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરજનતાને અપીલ કરવામાં આવી હતી કે આવતીકાલે જનતા કરફ્યુ લગાવવામાં આવશે. એટલે તેઓ કાલુપુરમાં જ રોકાઈ ગયાં હતાં. પરંતુ 21 દિવસ માટે સમગ્ર ભારતમાં લોક ડાઉનની જાહેરાત થતાં, અને તમામ ટ્રાન્સપોર્ટેશન સગવડો સ્થગિત કરવામાં આવતાં જયકરભાઈ કાલુપુરમાં જ ફસાઈ ગયાં હતાં. ત્યારે આવી પરિસ્થિતિમાં જયકરભાઈ પટેલે સતત ત્રણ દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં વિતાવ્યાં હતાં, પરંતુ ત્યારબાદ પૈસા ખૂટી જતાં તેમને હોટલવાળાએ વધુ રાખવાની ના પાડી હતી, અને બહાર કાઢી મુક્યાં હતાં.