અમદાવાદ:અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રેલવે બ્રિજ ઉપર BMW કાર ઓવર સ્પીડમાં ચલાવીને દંપતીને અડફેટે લેનાર કારચાલક અંતે ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આરોપીને શોધવાનો આદેશ મળતાની સાથે જ ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી કાર ચાલક સત્યમ શર્માની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી સત્યમ શર્મા પહેલી માર્ચના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર મહાવીર સાથે પોતાની BMW કાર લઈને નીકળ્યો હતો.
રાજસ્થાનના ડુંગરપુર ખાતે છુપાયો હતો:કારમાં બેસીને ઇંગલિશ દારૂ પીધો હતો અને દારૂ પીધા બાદ નશાની હાલતમાં કાર ચલાવીને રાત્રિના 09:45 વાગે આસપાસ સોલા રેલ્વે ઓવરબ્રિજ પરથી પસાર થયો હતો તે દરમિયાન ગાડીનો કાબૂ ગુમાવ્યો હતો અને બ્રિજ પર ચાલતા જઈ રહેલા દંપત્તિને ટક્કર મારી હતી. તે બાદ કેટલાક માણસોએ આરોપીની કારનો પીછો કરતા સોલા નીલગીરી એપાર્ટમેન્ટ નજીક અવરું જગ્યાએ કાર મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો અને રાજસ્થાનના ડુંગરપુર ખાતે રોકાયો હતો.
અકસ્માતની ઘટના: પહેલી ફેબ્રુઆરીએ રાતના પોણા દસ વાગે સોલામાં સીમ્સ હોસ્પિટલ રોડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપીએ પોતાના કબ્જાની BMW કાર પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી બી.આર.પાર્ક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ અને તેમની પત્નિ મેઘાબેનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે ઘટનામાં અમિત સિંઘલને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર તેમજ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર કરી અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
કાર ચાલક સામે ગુનો દાખલ:જે ઘટના બાદ કાર ચાલકે કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અન્ય લોકોએ કાર ચાલકનો પીછો કરતા આરોપીએ સોલા ભાગવત પાસે કાર બિનવારસી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે ફરિયાદીએ સારવાર લીધા બાદ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા બાદ અંતે ટ્રાફીક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે IPC ની કલમ 279, 337,338 તથા મોટર વિહિકલ એક્ટ 177, 184, 134 (બી) મુજબ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.