અમદાવાદ:આવતીકાલે સમગ્ર દેશની અંદર હનુમાન જન્મોત્સવ જન્મોત્સવ ઉજવાશે. અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર દ્વારા પણ આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. સવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કેસરી ઝડી બતાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
19 મી શોભાયાત્રા નીકળી:અમદાવાદના આર્મી કેમ્પની વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ કેમ્પના હનુમાન તરીકે ઓળખાતા હનુમાનજીની 19 મી શોભાયાત્રા આજે અમદાવાદ શહેરના મુખ્યમાર્ગો પર નીકળી હતી. આ ભવ્ય શોભા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સાથે 25થી પણ વધુ ટ્રકો અને 200થી વધુ કાર અને 50 જેટલા બાઇક આ શોભાયાત્રામાં જોડાયા હતા. જે સુભાષ બ્રિજ, વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ પાલડી થઈ બપોરે 1:30 ની આસપાસ વાસણા ખાતે આવેલ વાયુદેવજીના મંદિરે પહોંચી હતી.
2 કલાક રોકાણ બાદ પરત:વાસણા વાયુદેવજીના મંદિરે પહોંચ્યા બાદ અંદાજિત બે કલાકના વિરામ કરીને અંજલી ચાર રસ્તા, નવરંગપુરા, સરદાર પટેલ બાવલા, વાડજ થઈને સાંજે પરત ફરશે. જે રાજમાર્ગ પરથી પસાર થઈ હતી તે રસ્તા પર વિવિધ કેમ્પો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.જેમાં શોભાયાત્રામાં જોડાયેલા વ્યક્તિઓને છાશ અને પાણીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને હનુમાનજીના રથમાં કેમ્પના હનુમાનનો પ્રતિકૃતિ ધરાવતો ફોટો, ગદા અને અને અન્ય શણગારથી સુશોભિત રથ ખૂબ જ આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો.