અમદાવાદઃ અમદાવાદના નારણપુરામાં રહેતા અને ઇન્કમટેક્સ ખાતે ફૂડ સેન્ટર નામની લારી ચલાવીને વેપાર કરતા 26 વર્ષીય પૂજાબેન ખત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. 8 મહિના પહેલા પૂજા ખત્રી સીજી રોડ પરની ફોનિક્સ મેક્સસ નામની કંપનીમાં નોકરી કરતા હતા, તે વખતે તેઓની સાથે જીગર નામનો યુવક કામ કરતો હતો. થોડા સમય બાદ ફરિયાદી યુવતીએ નોકરી છોડી દીધી હતી. પાંચ મહિના પહેલા ફરિયાદી પૂજા ખત્રીને ઇન્કમટેક્સ ખાતે છોલે ભટુરેની લારી ખોલવાની હોય તેઓને કારીગરની જરૂર હોવાથી જીગરને વાત કરી હતી. જીગરે તેઓને તુલસી પરમાર નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો અને પૂજા ખત્રીએ તે તુલસી પરમારને 12 હજાર રૂપિયા પગાર ઉપર લારી પર રાખ્યો હતો.
આ પણ વાંચોઃAhmedabad Bridge Conditions: કુલ 82 બ્રીજનું નિરિક્ષણ થશે, 3 કંપનીને જવાબદારી
કેમ કરી હતી મુલાકાતઃ ચાર મહિના પહેલા તુલસી પરમાર દ્વારા પૂજા ખત્રીને એક લાખ રૂપિયામાં સરકારી આવાસ યોજનાનું મકાન પોતે નોંધાવ્યો હોવાનું જણાવી તેની સ્કીમ વિશે વાત કરતા ફરિયાદીને તેની પર વિશ્વાસ આવી જતા તેણે માતા અને ભાઈ સાથે વાત કરીને મકાન લેવાની હા પાડી તુલસી પરમારને તેનું કોઈ ઓળખીતું હોય તો બોલાવીને તેની સાથે વાત કરવાનું કહ્યું હતું. જેથી તુલસી પરમારે ઇન્કમટેક્સ ખાતેની લારી ઉપર ધનાભાઈ રાઠોડ અને મોહનભાઈ રાઠોડ નામના પિતા પુત્રને બોલાવી ફરિયાદી સાથે મુલાકાત કરાવી હતી.
બે મકાનના રોકડા 40 હજાર રૂપિયાઃ તે સમયે મોહન રાઠોડે ફરિયાદીને જણાવ્યું હતું કે, અમે ગરીબ માણસો માટે સાંઈબાબા નિરાધાર ગરીબ સમાજ, રાણીપ નામની સંસ્થા ચલાવીએ છીએ અને ગરીબ માણસોને સરકારી આવાસ યોજનાના સસ્તા મકાન આપીએ છીએ. તુલસી પરમારે પણ સરકારી આવાસ યોજનામાં પૈસા ભર્યા છે, જેથી પૂજા ખત્રીને વિશ્વાસ આવી જતા તેઓએ બીજા દિવસે મોહન રાઠોડને ફોન કરીને પૈસા લેવા માટે સ્ટોલ ઉપર બોલાવ્યા હતા અને બે મકાનના રોકડા 40 હજાર રૂપિયા આપ્યા હતા.
Ahmedabad News: એક લાખમાં આવાસ યોજનામાં મકાન આપવાના નામે કરવામાં આવે છે છેતરપિંડી બહાના બતાવવાનું શરૂઃ જેમાં એક પોતાનું મકાન તથા બીજું મકાન તેના ભાઈ જયદેવનું લેવાનું હતું. તે સમયે મોહન રાઠોડ પૂજા ખત્રીના ભાઈના આધારકાર્ડની ઝેરોક્ષ લઈ ગયો હતો. જેના એક અઠવાડિયા પછી મોહન રાઠોડ ફરિયાદી પૂજા ખત્રીને સરકારી આવાસ યોજનાનું મકાન બતાવવા માટે ચાંદખેડા ખાતે લઈ ગયો હતો. 15 દિવસ પછી ફરિયાદી પૂજા ખત્રીએ મોહન રાઠોડને ફોન કરી મકાનનો ડ્રો થયો કે નહીં અને મકાન ક્યારે મળશે, તે અંગે પૂછતા મોહન રાઠોડે હાલમાં સાહેબ બહારગામ છે, જેથી મકાનનો ડ્રો થયો નથી તેમ કહીને ચાર મહિનાથી અલગ અલગ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃRajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ
10 હજાર રૂપિયાની માંગઃ ત્રણ ચાર દિવસ પહેલા ફરિયાદી પૂજા ખત્રીના સ્ટોલ ઉપર ધનાભાઈ રાઠોડ તથા મોહન રાઠોડ બંને આવ્યા હતા અને ફરિયાદીના મકાનનો પજેશન લેટર બતાવ્યો હતો. જે લેટરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ, ગોળલીમડા અમદાવાદ તેમજ નીચે વિષયમાં માનનીય પ્રધાનમંત્રી ગૃહ યોજના અંતર્ગત EWSના લાભાર્થીને ફાળવેલ આવાસનું પજેશન સોંપવા બાબત અને લાભાર્થીનું નામ ખત્રી જયદેવભાઈ અને સરનામું રાણીપ તેમજ તેના નીચે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પ્રણવ શાહ લખ્યું હતું, જે લેટર ફરિયાદીને બતાવી 20 એપ્રિલ 2023 ના રોજ મકાન આપવાના કહીને વધુ 10 હજાર રૂપિયાની માંગ કરી હતી. જે સમયે ફરિયાદી પૂજા ખત્રીએ મોહન રાઠોડે બતાવેલા પજેશન લેટરનો પોતાના ફોનથી ફોટો પાડી લીધો હતો અને બે દિવસ પછી પૈસા આપવાનું કીધું હતું.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઃ મોહન રાઠોડે ફરિયાદી પૂજા ખત્રીને જે પજેશન લેટર બતાવ્યો હતો તેનો પજેશન લેટર બનાવટી હોવાનું શક જતા પૂજા ખાત્રીએ ગીતામંદિર પાસે મકાન આવાસ યોજનાની ઓફિસ પર જઈ પજેશન લેટરનો ફોટો ત્યાં હાજર અધિકારીને બતાવતા તે લેટર જોઈને તે લેટર ખોટો હોય અને પ્રણવ શાહ નામનો તેઓની ઓફિસમાં કોઈ કર્મચારી ન હોય તે બાબત જણાવતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે અંતે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીની કરાઈ ધરપકડઃઆ મામલે વાડજ પોલીસે ગુનો દાખલ કરી ધનાભાઈ રાઠોડ અને અમરસિંહ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મોહન રાઠોડ વોન્ટેડ હોવાથી તેની શોધખોળ ચાલુ છે. આ મામલે ઝડપાયેલા આરોપી અમરસિંહ વાઘેલાએ અન્ય બે આરોપીઓને તમામ બોગસ ડોક્યુમેન્ટ અને પજેશન લેટર આપ્યો હતો, જેથી આ ટોળકીએ આ પ્રકારે અન્ય કોઈ લોકો સાથે મકાનના નામે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI સી.જી જોશીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે બે આરોપીઓને ધરપકડ કરી અન્યની તપાસ ચાલુ છે.