અમદાવાદ : રાણીપ પોલીસ સ્ટેશનમાં હેડ કલાર્ક દ્વારા બારોબાર વાહન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાની ફરિયાદ RTOના અધિકારી વિનીત યાદવે નોંધાવી છે. 6 જુલાઈએ વિનીત યાદવને એક ફરિયાદ મળી હતી. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાહનોના કાગળો જમા કરાવવા છતાં કાગળો ગુમ થઈ જાય છે. જે અંગે તેમને તપાસ કરી રહ્યા હતા.
RTO હેડ કલાર્ક દ્વારા બારોબાર વાહન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાની ફરિયાદ નોંધાઇ
અમદાવાદ RTOમાં અત્યાર સુધી અનેક કૌભાંડ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં હેડ કલાર્ક દ્વારા બારોબાર વાહન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ મામલે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ ક્લાર્ક અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..
આ તપાસ દરમિયાન વિનીત યાદવને જાણવા મળ્યું હતું કે, હેડ કલાર્ક અશોક ચાવડા દ્વારા 1,352 વાહનોના કાગળમાં અધિકારીની સહી વગર એપ્રુવલ આપી વાહન તબદીલી, લોન રદ્દ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. અશોક ચાવડા તથા અન્ય એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી ભેગા મળીને 1,352 વાહનો પૈકી 262 વાહનોને ઓનલાઇન એપ્રુવલ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી તિજોરીને કુલ 83,630 રૂપિયાનું નુકસાન કરી ગેરકાયદેસર રીતે પૈસા લઈને આ કૌભાંડ આ બન્ને આરોપીઓએ આચર્યું હતું. જે મામલે 2 ઈસમો વિરુદ્ધ રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.