આમદાવાદઃ કોરોના લોકડાઉનમાં પરપ્રાંતીય લોકો ફસાઈ જતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમના માટે ઓનલાઈન એક્ઝેમશન પાસ સુવિધા શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે ગુજરાતમાંથી 9607 લોકોને ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવા માટે એક્ઝેમશન પાસ આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાંથી 9607 લોકોને વતન જવા 'લૉકડાઉન એક્ઝેમશન પાસ' અપાયા રાજ્યના વિવિધ જિલ્લા વહીવટીતંત્રમાંથી 9607 લોકોને ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવા માટે લૉકડાઉનમાંથી એક્ઝેમશન પાસ આપવામાં આવ્યા છે. આ લોકો ગુજરાતમાંથી પોતાના વતન જઈ શકશે. આ સિવાય 1200 જેટલા લોકો સ્પેશ્યિલ ટ્રેનના માધ્યમથી અમદાવાદથી આગ્રા રૂટ તરફ જવા રવાના થયા છે.
આ તમામ લોકો કે જે ગુજરાત છોડીને વતન જઈ રહ્યાં છે. તમામની વિગતનો રેકોર્ડ સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અને બિહારની સરકારે પણ તેમના વતની લોકોને સ્વીકારવા સહમતી દર્શાવી છે. જોકે આ મૂદે પશ્ચિમ બંગાળ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
નોંધનીય છે કે, 25મી માર્ચના રોજ લૉકડાઉનની જાહેરાત ટ્રેન, બસ અને તમામ પ્રકારની પરિવહન સેવા બંધ થયા બાદ લૉકડાઉન લંબાવતા અન્ય રાજ્યોમાંથી અહીં ધંધો-રોજગાર માટે આવેલા લાખો યુવાનો અટકી પડ્યા હતા. લૉકડાઉનને લીધે ધંધો-રોજગાર ઠપ્પ થતા આવક ન થતા ઘરે જવા માટે કેટલી જગ્યા પર અગાઉ ચક્કાજામની ઘટના પણ પ્રકાશે આવી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત, નવસારીમાં કામ કરતા મજૂર - કારીગરો તેમના વતન જવા મોકલવા માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરી હતી.
એટલું જ નહીં અમદાવાદ જિલ્લાના લોકો કે જેઓ વિદેશમાં કોરોનાના લીધે ફસાઈ ગયા છે. તેમને પરત લાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા ફોર્મ તૈયાર કર્યું છે. જેની વિગત મદદ મેળવનારા વ્યક્તિને ભરવાની રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો જોર વધી રહ્યું છે અને આંકડો 5000ને પાર પહોંચી ગયો છે. જે પૈકી સૌથી વધુ 3543 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે.