ચાર મહાનગરો સિવાય 70 ટકા ઉદ્યોગો ખુલી ગયા છે: નિતીન પટેલ - નિતીન પટેલ
ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરમાં પણ સરકાર અડીખમ રહી હોવાનું કહેતાં આજે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે SG હાઈવે પર બની રહેલા સિક્સ લેનના કામના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગુજરાત સરકારના પ્રયાસો અને શ્રમિકોને ફરી પાછા કામ ધંધે વળગાળવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું હતું કે ચાર મહાનગર સિવાય 70 ટકા ઉદ્યોગો ખુલી ગયા છે અને આગામી દિવસમાં વધારે છૂટછાટ આપવામાં આવશે.
અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આજે બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં નોકરી, વેપારધંધા અંગે પણ વાત કરી હતી અને શ્રમિકોને વતન મોકલવાને બદલે વળી પાછા કામધંધે વળગાડવાના સંકેતો આપ્યાં હતાં. નિતીન પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગની દુકાનો હાલ ખૂલી ગઈ છે અને લોકોને પણ રાહત થઇ છે. ગુજરાતમાં ગ્રીન અને ઓરેન્જ ઝોન બનાવવાને લીધે લોકોને હવે ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. 70 ટકા ઉદ્યોગ-ધંધા ખુલી ગયા છે અને આગામી દિવસમાં કેવા પ્રકારની છૂટછાટ આપવી તે અંગે પણ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવશે. ખેડૂતો માટે પણ રાહત થઈ છે તેમના માટે સૌથી વધારે મુશ્કેલી ટ્રાન્સપોર્ટેશનમાં હતી અને તે માટે પણ સરકાર દ્વારા તેમને છૂટછાટ આપી હોવાથી તેમને હવે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી નથી રહ્યો.