અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં ઈ-ફાઈલિંગ માટે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં વકીલો અને અન્ય લોકોને મદદરૂપ બને એ માટે ઈમેલ માય કેસ સ્ટેસ્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, એટલે કે હવે કેસોની વિગતની જાણ ઈમેલ મારફતે પણ કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટમાં કેસના ફિઝિકલ ફાઈલિંગ માટે 5 કાઉન્ટર શરૂ કરાયા - ધ્વજવંદન
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ઈ-ફાઈલિંગ થકી દાખલ કરવામાં આવતા હતા. જો કે, 15મી ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ વિક્રમનાથે ફિઝિકલ ફાઈલિંગ માટે 5 નવા એક્સક્લુઝીવ કાઉન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર-2 પાસે આ ફિઝિકલ ફાઈલિંગ શરૂ કરાશે.
ગુજરાત હાઇકોર્ટમાં શરૂ કરાયેલી કેસોની ફિઝિકલ ફાઈલિંગમાં બે કાઉન્ટર ક્રિમિનલ અને 3 કાઉન્ટર સિવિલ મેટર માટે શરૂ કરવામાં આવશે, એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઈ-બુક ડાઈઝેસ્ટ રજૂ કરવામાં આવી છે. જેમાં કોરોના લોકડાઉન દરમિયાનથી 14મી ઓગસ્ટ સુધીના તમામ મહત્વના ચુકાદા રજૂ કરતી ઇ-બુક લોન્ચ કરી છે. જે વકીલો અને કાયદાના અભ્યાસ કરતા લોકોને મદદરૂપ થશે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને લીધે 15મી ઓગસ્ટના રોજ માત્ર ચીફ જસ્ટિસ અને અન્ય બે સિનિયર જજોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.