અમદાવાદ : રામોલ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને ધમકી આપીને ચાંદલોડિયા બ્રિજ નીચે લઈ જઈ અંધારાનો લાભ લઈને તેની પર બળાત્કાર ગુજારવાનો ચકચારી કિસ્સો બન્યો હતો. આ કેસમાં પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પરેશ સૈયાણીએ આરોપી રામુસિંગ પરિહારને 20 વર્ષની સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
શું છે સમગ્ર મામલો :સત્તાવાર સૂત્રો પાસેથી મળતી કેસની વિગત અનુસાર અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રામસિંગ ઉર્ફે ભુરો રાજેન્દ્રસિંહ પરિહારે આ ગુનો કર્યો હતો. આરોપીએ તેના જ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાનું 5 ઓગસ્ટ 2021 ના રોજ ધમકી આપીને અપહરણ કર્યું હતું. આરોપી વારંવાર સગીરાને ફોન કરીને મળવા બોલાવતો હતો. પરંતુ સગીરાએ મળવાની ના પાડતા 5 ઓગસ્ટના રોજ તેને રાતના દોઢ વાગે સગીરાને ફોન કર્યો હતો. જો તું નહીં આવે તો હું તારા ઘરનાઓને બોલાવીને માર ખવડાવીશ એવી ધમકી આપી હતી.
અપહરણ કરી રેપ કર્યો :ત્યારબાદ આરોપીએ સગીરાને ચાંદલોડિયા બ્રિજ નીચે લઈ જઈને અંધારાનો લાભ ઉઠાવતા સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આરોપી અહીં ન અટકતા સગીરાના પિતાને વોટ્સએપ કોલ કરીને ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે, તારી છોકરીને મારી સાથે પરણાવી દે નહીં તો હું તેને ફરીથી ભગાવીને લઈ જઈશ. આ બનાવ બન્યાના તરત બાદ જ પીડિતાના પિતાએ રામોલ પોલીસ મથકમાં આરોપી રામુસિંગ પરિહાર સામે ફરિયાદ નોંધાવી હતી.