આ વર્ષે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 51,709 મતદાન સેન્ટર પર મતદાન યોજાશે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.47 કરોડ છે. જેમાં 2.33 કરોડ પુરુષ, 2.14 કરોડ મહિલા, 1054 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં 769 ટ્રાન્સજેન્ડર પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતમાં આ વર્ષે 1054 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ
અમદાવાદઃ આગામી 23 એપ્રિલના રોજ લોકશાહીના મહાપર્વ એટલે કે, લોકસભા ચૂંટણીનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાશે ત્યારે દરેક મત કિંમતી બની રહેશે. દરેક પાર્ટીઓ પ્રચાર-પ્રસાર અને વાયદાઓ કરી મત પોતાની તરફેણમાં કરવા પ્રયત્નો કરી રહી છે, ત્યારે ગુજરાતમાં આ વર્ષે 1054 ટ્રાન્સજેન્ડર મતદાતાઓની નોંધણી થઈ છે.
139 ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા સાથે રાજ્યમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ આણંદમાં 122, વડોદરામાં 119 અને સુરતમાં 111 થર્ડ જેન્ડર વોટર્સ રજિસ્ટર થયા છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના લોકોની સંખ્યા વર્ષ 2011 જનગણના મુજબ 11,544 છે. જેમાંથી ફક્ત 1054 લોકો જ મતદાતા તરીકે રજિસ્ટર થયા છે.
17 મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ૨૩ એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં પ્રથમ વખત 769 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંખ્યા આગામી સમયમાં વધે અને વધુ લોકો મત આપવા જાગ્રૃત થાય તથા વર્ષોથી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને સતાવતા પ્રશ્નો જેવા કે નોકરી, શિક્ષણ અને સન્માન વગેરેનો તેમને ઉત્તર મળે અને થર્ડ જેન્ડર મતદારોને ફાયદો મળે તે માટે મત આપવો જરૂરી છે.