રાનીનો જન્મ ચોથી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ શાહબાદ માર્કંડ ખાતે થયો હતો. તેના પિતા પાસે એક અશ્વ સિવાય કશું જ ન હતું અને તે ઘોડાનો ઉપયોગ કરીને તેઓ ઘરનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે રાની ચોથા ધોરણમાં આવીવ, ત્યારે તેને હોકીમાં રસ પડ્યો અને તેના આશ્ચર્ય વચ્ચે, તેના પિતાએ તેને હોકી સ્ટિક લાવી આપી. માત્ર ૧૩ વર્ષની વયે રાની ભારતીય મહિલા હોકી ટીમમાં જોડાઇ હતી.
ટૂંક સમયમાં જ રાની હોકી ટીમની કેપ્ટન બની ગઇ
રાનીની સમર્પિતતા ટૂંક સમયમાં જ રાનીને ટીમની કપ્તાન બનાવવાના માર્ગ તરફ દોરી ગઇ. રમત-ગમતમાં રાની જેમ-જેમ આગેકૂચ કરતી ગઇ, તેમ તેમ તેના પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો ગયો. રાની આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી, ત્યારે તેનું નાનું શહેર શાહબાદ ગર્વની લાગણીથી ઝળહળી ઊઠ્યું. રાની તેના પરિવારમાં સૌથી નાની છે. તેનાથી મોટા બે ભાઇ છે અને બંને જુદાં ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે. તે પૈકીનો એક ભાઇ રેલવેઝમાં ફરજ બજાવે છે.
પદ્મશ્રી પુરસ્કાર માટે રાનીની પસંદગી થઇ, તે બદલ રાનીના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. "હોકીમાં જોડાવા માટે તેને જે જરૂરી હતું, તે બધું મેળવી આપવા માટે મેં ઘણો પરિશ્રમ કર્યો હતો. મને આનંદ છે કે, રાનીએ સમગ્ર દેશને ગૌરવ અપાવી રહી છે અને તેનાં સપનાં પૂરાં કરી રહી છે," તેમ રાનીના પિતાએ જણાવ્યું હતું.
રાનીએ પોતાના નામ સાથે પિતાનું નામ જોડ્યું
જ્યારે રાનીના પિતાને પૂછવામાં આવતું કે, રાનીએ પોતાના નામ સાથે અટકને બદલે તમારૂં નામ શા માટે જોડ્યું છે, ત્યારે ગદગદ્ થઇને તેઓ કહે છે, "તેણે શરૂઆતથી જ તેના નામ સાથે મારૂં નામ ઉમેરી દીધું છે."
રાની રામપાલની કારકિર્દી પર એક નજર
- જુનિયર હોકી વર્લ્ડ કપ, ૨૦૧૩માં રાની પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બની હતી.
- ૨૦૧૦માં હોકી વર્લ્ડ કપમાં ભાગ લેનારી તે સૌથી નાની વયની ખેલાડી હતી. તે સમયે રાનીની વય માત્ર ૧૫ વર્ષ હતી.
- રાનીએ તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો, ત્યારે તે ૧૪ વર્ષની હતી.
- ૨૦૦૯ના એશિયા કપ દરમિયાન ભારત માટે સિલ્વર મેડલ જીતવામાં રાનીની ભૂમિકા મહત્વની રહી હતી.
- ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ તેમજ ૨૦૧૦ની એશિયન ગેમ્સ દરમિયાન તે ભારતીય હોકી ટીમનો ભાગ હતી.
- રાનીને બેસ્ટ યંગ ફોરવર્ડ એવોર્ડથી નવાજવામાં આવી છે.
- ૨૦૧૩માં જુનિયર વિમેન્સ હોકી ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જે વર્લ્ડ કપ હોકી કોમ્પિટિશનમાં ભારતે ૩૮ વર્ષો બાદ જીતેલો પ્રથમ મેડલ છે.
- રાનીએ દેશના તિરંગામાં ગર્વનો રંગ ઉમેર્યો છે અને તે રંગ વધુને વધુ ઘેરો થતો જશે તેવી આશા છે