નવી દિલ્હી :ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હાલમાં જ મુંબઈના અલીબાગ વિસ્તારમાં એક આલીશાન વિલા ખરીદ્યો છે. વિરાટ કોહલીએ આવાસ ગામમાં 2000 ચોરસ ફૂટનો આ લક્ઝુરિયસ વિલા 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વિરાટે આ પ્રોપર્ટી ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે 36 લાખ રૂપિયા ચૂકવ્યા છે. અલીબાગ વિસ્તારમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ બીજી પ્રોપર્ટી છે. અગાઉ, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બંનેએ અલીબાગમાં 19.24 કરોડ રૂપિયા ખર્ચીને એક આલીશાન ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. જેના માટે બંનેએ કથિત રીતે રૂપિયા 1.15 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.
વિરાટ કોહલીના ભાઈએ પૂરી કરી ઔપચારિકતા :ભારતના ટોચના બેટ્સમેન વિરાટ કોહલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાઈ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. કોહલીના વ્યસ્ત શેડ્યૂલને કારણે, તેનો ભાઈ વિકાસ કોહલી અલીબાગમાં કોહલી દ્વારા ખરીદવામાં આવેલા નવા વિલાની નોંધણીની ઔપચારિકતા પૂર્ણ કરવા સબ-રજિસ્ટ્રાર ઑફિસે પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર કોહલીએ ખરીદેલા આ લક્ઝુરિયસ વિલામાં 400 સ્ક્વેર ફૂટનો મોટો સ્વિમિંગ પૂલ પણ સામેલ છે. આ પ્રોજેક્ટનું ઈન્ટિરિયર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને તૈયાર કર્યું છે.