નવી દિલ્હીઃભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. પસંદગીકારોએ પ્રથમ 2 મેચ માટે અલગ ટીમ અને ત્રીજી મેચ માટે અલગ ટીમની જાહેરાત કરી છે. આ સીરીઝ ICC ODI વર્લ્ડ કપ 2023 પહેલા મહત્વની બનવા જઈ રહી છે, જે 5 ઓક્ટોબરથી ભારત દ્વારા આયોજિત કરવામાં આવશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પાસે આ 3 મેચ છે.
KL રાહુલ પ્રથમ 2 મેચ માટે કેપ્ટનઃટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સિનિયર ખેલાડી વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ રુતુરાજ ગાયકવાડ અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળી છે. કેએલ રાહુલ પ્રથમ 2 વનડે મેચ માટે ભારતીય ટીમનું સુકાન સંભાળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા ઉપ-કેપ્ટન હશે.
અશ્વિન અને સુંદરને મળ્યું સ્થાનઃએશિયા કપ સિવાય આ ટીમમાં કેટલાક મોટા ફેરફારો થયા છે અને તે ફેરફારોમાં સૌથી મોટો ફેરફાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેને એશિયા કપ 2023માંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના પ્લાનમાંથી પણ બહાર હતો, પરંતુ અચાનક તેને પણ ટીમમાં તક આપવામાં આવી છે. તેના સિવાય એશિયા કપ 2023ની ફાઈનલ માટે ટીમમાં સામેલ વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.