દુબઇ: એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી કે, જો ભારત આ વર્ષે કોરોના વાઇરસના રોગચાળાને કારણે વિદેશમાં IPL કરવાનું નક્કી કરે છે, તો તે IPL મેજબાની કરવાની ઇચ્છા ધરાવે છે.
IPLની 13મી સીઝન માર્ચના અંતમાં શરૂ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
એવી અટકળો છે કે, ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ ન થાય તો બીસીસીઆઈ ઓક્ટોબરમાં તેનું આયોજન કરી શકે છે.
અહેવાલ મુજબ, UAE ક્રિકેટ બોર્ડે BCCIની સામે IPLનું આયોજન કરવાની ઓફર કરી છે.
UAE ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબાશશિર ઉસ્માનીએ કહ્યું, "ભૂતકાળમાં એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે સફળતાપૂર્વક IPLનું આયોજન કર્યું છે. આ પહેલા અમે દ્વિપક્ષીય અને બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ પણ યોજી ચૂક્યા છે."
તેમણે કહ્યું કે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને પણ અહીં સીઝનની બાકીની મેચ યોજવાની ઓફર કરી હતી.
તેમણે કહ્યું કે, "અમે ઇંગ્લેન્ડ અને ભારત બંનેને પ્રસ્તાવ મૂક્યો છે. બંને બોર્ડ આ સ્વીકાર કરે તો અમને આનંદ થશે."