કોલંબોઃ લંકા પ્રીમિયર લીગ T-20 ટૂર્નામેન્ટના પ્રથમ સીઝનની શરૂઆત 28 ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને આનો ફાઈનલ મેચ 20 સપ્ટેમ્બરના રોજ રમાડવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોમવારે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.
લીગમાં કુલ 23 મેચ રમવામાં આવશે. જેનું આયોજન શ્રીલંકાના 4 સ્ટેડિયમમાં થશે. આ લીગમાં ભાગ લેનારી 5 ટીમોના નામ કોલંબો, કેન્ડી, ગાલે, ડમબોલો અને ઝાફના શહેરોના નામ પર રાખવામાં આવ્યાં છે. શ્રીલંકામાં પ્રથમ વખત રમાડવામાં આવનારા આ T-20 ક્રિકેટમાં 70થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભાગ લેશે.
શ્રીલંકા ક્રિકેટના સચિવ એસ્લે ડિસિલ્વાએ કહ્યું કે, શ્રીલંકાએ અન્ય દેશોની સરખામણીમાં કોરોના વાઇરસને અટકાવવામાં સારી કામગીરી કરી છે. જેથી વિદેશી ખેલાડી આ લીગમાં ભાગ લેવા માટે રૂચી દેખાડી રહ્યા છે. અત્યારે અમે ટૂર્નામેન્ટમાં 23 મેચોના આયોજન અંગે વિચારણા કરી રહ્યાં છીંએ, પરંતુ જો ભારત રમવા માટે તૈયારી દર્શાવશે, તો બની શકે કે અમે માત્ર 13 મેચનું જ આયોજન કરીંએ.