મુંબઇ: દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે વૃદ્ધાવસ્થા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 81 વર્ષની વયે અવસાન થયું હતું. અમિતાભ બચ્ચન, અજય દેવગન, અનિલ કપૂર અને શબાના આઝમી જેવી બોલિવૂડની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જગદીપનો જન્મ 29 માર્ચ 1939માં અમૃતસરમાં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું.
તેમણે 400થી વધુ ફિલ્મો કરી. તેઓ 1975માં આવેલી રમેશ સિપ્પીની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં ભજવેલા પાત્ર સુરમા ભોપાલીથી ખૂબ પ્રખ્યાત થયા હતા. નવી પેઢી તેમને રાજકુમાર સંતોષીની ફિલ્મ અંદાઝ અપના અપના (1994)માં સલમાન ખાનના પિતા તરીકે યાદ કરે છે.
અમિતાભ બચ્ચને લખ્યું કે, "ગઈકાલે રાત્રે આપણે એક બીજું રત્ન ગુમાવી દીધું, જગદીપ. તેમણે પોતાની એક શૈલી બનાવી અને મને તેમની સાથે થોડીક ફિલ્મોમાં કામ કરવાનો લહાવો મળ્યો. 'શોલે' અને 'શહેનશાહ' મારી નજરમાં મુખ્ય છે, જગદીપ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં હતા. તેમાં એક નાની ભૂમિકા નિભાવવા વિનંતી કરી હતી અને મેં તે કર્યું હતું. એક નમ્ર વ્યક્તિ, લાખો લોકોના પ્રિય ... સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી એ તેમનું અસલી નામ છે, જગદીપ એ તેમનું ફિલ્મી નામ છે. તેમણે ફિલ્મ જગતમાં કેટલાક ખૂબ યાદગાર પર્ફોમન્સ આપ્યા જેનાથી ચારેબાજુ ખુબ ખુશી જોવા મળી હતી."
આ સમાચાર અંગે ટ્વિટ કરનારા પહેલા અજય દેવગણ હતા. તેમણે લખ્યું કે, "જગદીપ સાહેબના અવસાનના દુઃખદ સમાચાર સાંભળ્યા. તેમને હંમેશા સ્ક્રીન પર જોવાની મજા આવતી. તેમણે પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા. જાવેદ અને પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી ખૂબ સંવેદનાઓ. હું જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના કરું છું."