મુંબઈ: કોંગ્રેસ નેતા અને મુંબઈ રીજનલ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે સુશાંતના નિધન અંગે ટ્વીટ કરતા એક નવા વિવાદને જન્મ આપ્યો છે.
સંજયે લખ્યું છે, “ છીછોરે હિટ થયા બાદ સુશાંતે 7 ફિલ્મો સાઇન કરી હતી. પરંતુ 6 જ મહિનામાં તમામ ફિલ્મો તેના હાથમાંથી છટકી ગઈ. કેમ? ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની નિષ્ઠુરતા એક અલગ જ લેવલ પર કામ કરે છે. આ નિષ્ઠુરતા એ જ એક પ્રતિભાવાન કલાકારની હત્યા કરી નાખી. સુશાંતને શ્રદ્ધાંજલી.”
સંજયની આ ટ્વીટે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમના મુદ્દાને હવા આપી છે. સુશાંત પાસેથી ફિલ્મો છીનવી લેવામાં આવતી હતી? શું ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર સંતાનો પર જ દાવ અજમાવવાનું વિચારવામાં આવે છે? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હંમેશા ચહેરા પર હાસ્યની સાથે ખુશખુશાલ મૂડમાં રહેનાર સુશાંત શું અંદરથી આટલો બધો એકલો હતો કે કોઈને કંઈપણ જણાવ્યા વગર તેણે જિંદગીથી હાર માની લીધી?
ફિલ્મનિર્માતા નિખિલ દ્વિવેદીએ પણ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધતા કહ્યું કે "ઇન્ડસ્ટ્રીમાં લોકો સાથે ઉભા રહેવાના દાવા કરતા હોય છે પરંતુ કોઈ સાથે હોતું નથી. અભય દેઓલ જેવા કલાકાર હાલમાં બેરોજગાર છે. તેમને કોઈ કામ આપતું નથી."