- રીતેશ દેશમુખે કર્યો ઇમોશનલ વિડીયો પોસ્ટ
- તેમના પિતા વિલાસરાવ દેશમુખની આજે પુણ્યતિથિ
- પિતાના કપડાંને પહેરી આશીર્વાદ લેતો વિડીયો
ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડ અભિનેતા રીતેશ દેશમુખે તેમના દિવંગત પિતા વિલાસરાવ દેશમુખની પુણ્યતિથિ પર એક ખૂબ જ ભાવૂક કરી દે તેવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઈને રીતેશ દેશમુખ વિડીયોના ચાહકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયાં છે.જીવનમાં પિતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી. પિતાના નિધન બાદ જીવનમાં જે ખાલીપો અનુભવાય તે કદી ભરી શકાતો નથી. તો સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર હોય સૌને આ વાત લાગુ પડે છે. દરેકને પિતા વિશે સમાન લાગણીઓ હોય છે.
રીતેશે મૂકેલા આ વીડિયોમાં રિતેશ તેના પિતા વિલાસરાવ દેશમુખના કૂર્તા અને જેકેટને પસવારતાં નજરે પડે છે. તેઓ તે કપડાંને એવી રીતે સ્પર્શ કરે છે જાણે પિતાને અનુભવવાનો પ્રયાસ કરે છે. ખૂબ જ ભાવસભર થઈ રીતેશ એ કૂર્તાની બાંયમાં પોતાનો હાથ મૂકીને પોતાના માથા પર મૂકે છે. સામેથી જોતાં, બે ક્ષણ માટે એવું લાગે છે કે કૂર્તામાંથી તેના પિતા રીતેશના માથા પર હાથ રાખી રહ્યાં છે. લાગણીની આ ક્ષણોમાં રીતેશ તે કૂર્તા અને જેકેટને ભેટી પડે છે. જાણે તે તેના પિતાને ગળે લગાવી રહ્યો હોય. ફિલ્મ અગ્નિપથનું ગીત 'અભી મુઝે મેં કહીં બસ થોડી સી હૈ જિંદગી' બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે, જે રીતેશના હાવભાવ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે.
બે કલાકમાં વિડીયો છવાઈ ગયો
માત્ર બે કલાકમાં રીતેશ દેશમુખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ગયાં છે. રીતેશના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું કોમેન્ટ બોક્સ ભાવનાત્મક ઇમોજીથી છલકાઇ ગયું છે. જણાવી દઈએ કે, રીતેશના પિતા વિલાસરાવ દેશમુખ કોંગ્રેસના મોટા નેતા હતાં. તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ હતાં અને કેન્દ્ર સરકારમાં પણ પ્રધાન બન્યાં હતાં. વર્ષ 2012માં 14 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું. રીતેશ અવારનવાર પોતાના પિતાને યાદ કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે.