પટણા: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ માટે સતત આગળ વધી રહેલી બિહાર પોલીસે સીઆરપીસીની કલમ 160 હેઠળ સુશાંતના નોકર દીપેશ અને મિત્ર સિદ્ધાર્થ પઠાણીને નોટિસ મોકલી હતી. ત્યારબાદ, રવિવારે રાત્રે દિપેશ બિહાર પોલીસ સમક્ષ હાજર થયો, જ્યારે સિદ્ધાર્થે પોલીસનો સંપર્ક કર્યો છે.
સોમવારે પટણા રેંજના પોલીસ મહાનિરીક્ષક સંજયસિંહે IANS ને જણાવ્યું હતું કે, રવિવારે બંનેને સીઆરપીસીની કલમ 160 હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી અને બંનેને નોટિસ સાથે રૂબરૂ બેસીને નિવેદન નોંધવાનું કહ્યું હતું. દિપેશ રાત્રે બિહાર પોલીસ સમક્ષ હાજર થયો હતો પરંતુ સિદ્ધાર્થ આવવાનો બાકી છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં સિદ્ધાર્થને પણ પોલીસ સમક્ષ આવવું પડશે. જો સિદ્ધાર્થ નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાય છે કે, સુશાંતનો મૃતદેહ પહેલા સિદ્ધાર્થએ જોયો હતો અને તે સુશાંત સાથે રહેતો હતો.
દરમિયાન, આ કેસની તપાસમાં આગળ વધી રહેલા IPS અધિકારી વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વોરેન્ટાઇન કરવાના મામલે પણ બિહાર પોલીસ તપાસ કરી રહી છે.