1. વર્ષ 2005માં યુનાઈટેડ નેશન્સે આપણાં જળ સ્ત્રોતોની કાળજી લેવાની આવશ્યકતા વિશે વધુ જાગરુકતા ફેલાય તે માટે "વૉટર ફોર લાઈફ ડિકેડ" (જળ એ જ જીવનનો દાયકો) લૉન્ચ કર્યો.
2. વર્ષ 2005માં પહેલી જ ઈવેન્ટ યોજાઈ, જેને ખૂબ સફળતા સાંપડી અને કેટલાક દેશોમાં વર્લ્ડ રિવર્સ ડે (વિશ્વ નદીઓ દિવસ) ઉજવાયો. ત્યારથી અત્યાર સુધીમાં આ દિવસની ઉજવણીનો વ્યાપ સતત વધતો રહ્યો છે.
3. દર વર્ષે 60થી વધુ દેશોના લાખો લોકો નદીઓની તંદુરસ્તી માટે કેટલાક કાર્યક્રમો યોજીને આપણાં જળમાર્ગોના મહત્ત્વની ઉજવણી કરે છે.
4. વર્લ્ડ રિવર્સ ડેનું આ વર્ષનું વિષયવસ્તુ છે “ડે ઑફ એક્શન ફોર રિવર્સ”, જેમાં નદીઓના રક્ષણ અને વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકાની ઉજવણી કરવામાં આવી રહી છે.
વર્લ્ડ રિવર્સ ડેના રોજ નદી વિશે કેટલીક હકીકતો ઉપર નજર નાંખીએઃ
1. વિશ્વની ત્રણ સૌથી લાંબી નદીઓમાં આફ્રિકામાં નાઈલ નદીનો સમાવેશ થાય છે, જેનાં જળસ્ત્રોતો 11 દેશો વહેંચી રહ્યા છે, તે પછી દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદી છે, જે વિશ્વની સૌથી વધુ પહોળી નદી પણ છે અને ચીનની યાંગત્ઝે નદી વિશ્વની એવી સૌથી લાંબી નદી છે, જેનો સમગ્ર પ્રવાહ ફક્ત એક જ દેશમાં વહી રહ્યો છે.
2. આફ્રિકાની કોન્ગો નદી, અગાઉ ઝૈર નદી તરીકે ઓળખાતી હતી, જે વિશ્વની સૌથી ઊંડી નદી હોવાનો વિક્રમ ધરાવે છે.
3. રિયો નેગ્રો, એમેઝોન નદીની ઉપનદી છે, જે વિશ્વની સૌથી મોટી કાળા પાણીની નદી છે.
4. ભારતમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે, કેમકે તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તે તેના કિનારે વસતા લાખો લોકોની જીવાદોરી છે. હિંદુ ધર્મમાં ગંગા નદીને દેવી તરીકે પૂજવામાં આવે છે.
5. કેનો ક્રિસ્ટેલ્સ નામની નદી કોલંબિયાની આરપાર વહે છે. તેને ”રિવર ઑફ ફાઈવ કલર્સ" અથવા ”લિક્વિડ રેઇન્બો" તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના વિવિધ રંગોને કારણે તે વિશ્વની સૌથી સુંદર નદી તરીકે સ્થાન ધરાવે છે.
અંતરિક્ષ દ્વારા મળેલી માહિતીને આધારે ભારતમાં પાણીની ઉપલબ્ધતાના પુનઃમૂલ્યાંકન અંગે સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબલ્યુસી) દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતનો નોંધપાત્ર હિસ્સો પાણીની અછતનો સામનો કરી રહ્યો છે, જ્યારે હાલની સરકાર કહે છે કે ભારત પાણીની અછત ધરાવતો દેશ નથી. પાણીની અછતનું કારણ ગંભીર અવગણના અને જળ સ્ત્રોતો તેમજ વિકાસલક્ષી પ્રોજેક્ટો ઉપર દેખરેખના અભાવને કારણે છે.
અભ્યાસમાં ભારતભરની 20 નદી વિસ્તારોનો કુલ 32,71,953 ચોરસ કિલોમીટર જળાશય વિસ્તાર ધ્યાન ઉપર લેવાયો હતો. અભ્યાસ મુજબ, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીનાં જળક્ષેત્રોમાં જળ ઘટ્યાં છે, જ્યારે બાકીનાં જળક્ષેત્રોમાં પાણીની ઉપલબ્ધિ વધી છે. સૌથી વધુ વધારો બરાક અને તાપી અને તાદ્રી જેવી પશ્ચિમ તરફ વહેલી નદીઓ (ડબલ્યુએફઆર - વેસ્ટ ફ્લોઇંગ રિવર્સ)માં જોવા મળે છે. દેશનાં 20 જળક્ષેત્રોનો સરેરાશ વાર્ષિક જળ સ્ત્રોત 1999.20 અબજ ક્યુબિક મીટર (બીસીએમ) આંકવામાં આવ્યો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના કેટલાક વિસ્તારોમાં ઉપરાછાપરી દુકાળ અને કેટલાક પર્વતીય વિસ્તારો તેમજ મેટ્રોલિટન વિસ્તારોમાં પાણીની અછતને પગલે ભારત પાણીની કેટલી ખેંચનો સામનો કરી રહ્યો છે, તે મોટા પાયે ધ્યાન ઉપર આવ્યું છે.
સરકારના આંકડા પ્રમાણે, વર્ષ 1947માં ભારતની આઝાદી પછી અત્યાર સુધી માથાદીઠ જળ ઉપલબ્ધિમાં સતત અને તીવ્ર ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે, વર્ષ 1951માં માથાદીઠ જળ ઉપલબ્ધિ 5,177 ક્યુબિક મીટર હતી, જેની સરખામણીએ વર્ષ 2025માં માથાદીઠ જળ ઉપલબ્ધિ 1,341 ક્યુબિક મીટર હશે, તેવું અનુમાન છે.
નદીઓને પુનર્જીવિત કરવા મોદી સરકારનાં પગલાં
•મે, 2019માં સરકારે એક જ છત્ર હેઠળ સંકલિત રીતે જળની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે. આ મંત્રાલય હેઠળ બે વિભાગો સામેલ છે, જળ સંસાધનો, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ (DoWR, RD&GR તેમજ પીવાલાયક પાણી અને સ્વાસ્થ્ય રક્ષા વિભાગ (DoDW&S)
• ભારત સરકારે દેશના 256 જિલ્લાઓના પાણીની ખેંચ ધરાવતા ક્ષેત્રોમાં ભૂગર્ભ જળની સ્થિતિ સહિત પાણીની ઉપલબ્ધિ વધારવાના ઉદ્દેશથી નિર્ધારિત સમયમર્યાદા સાથે યુદ્ધના ધોરણે જળ શક્તિ અભિયાન (JSA) શરૂ કર્યું હતું.
• નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (NRCP) હેઠળ અત્યાર સુધીમાં દેશના 16થી વધુ રાજ્યોનાં 77 શહેરોમાં 34 નદીઓના પ્રદૂષિત કાંઠાને આવરી લેવાયાં છે, જેને પ્રદૂષણ મુક્ત કરવા રૂા. 5870.54 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ યોજના પાછળ કેન્દ્ર સરકારનો રૂા. 2510.63 કરોડનો ફાળો રાજ્ય સરકારોને ફાળવી દેવામાં આવ્યો છે, જેથી પ્રદૂષણ નિવારણ યોજનાઓનો અમલ શરૂ થઈ શકે. NRCP હેઠળ દૈનિક 2522.03 મિલિયન લીટરની સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા (STP) સ્થાપવામાં આવી છે, જેને પરિણામે વિવિધ નદીઓમાં ઠલવાતા કચરાનું પ્રમાણ ઘટતાં પ્રદૂષણ ઘટ્યું છે.
• નમામિ ગંગે પ્રોગ્રામ હેઠળ સુએજ ટ્રીટમેન્ટ (ગટરના કચરાના વ્યવસ્થાપન), ઔદ્યોગિક કચરાના વ્યવસ્થાપન, ઘન કચરાના વ્યવસ્થાપન વગેરે જેવાં વિવિધ પગલાં આવરી લેવામાં આવ્યાં છે, તે ઉપરાંત, રિવર ફ્રન્ટ મેનેજમેન્ટ, અવિરલ ધારા, ગ્રામીણ સ્વાસ્થ્ય રક્ષા, વનીકરણ, જૈવવિવિધતાના જતન વગેરેનો પણ સમવાેશ કરાયો છે. ડિસેમ્બર, 2019 સુધીમાં નમામિ ગંગે પ્રોગ્રામ હેઠળ રૂા. 28,909.59 કરોડનો અંદાજિત ખર્ચ ધરાવતા કુલ 310 પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 114 પ્રોજેક્ટો પૂરા થઈ ગયા છે અને તેને કાર્યરત બનાવવામાં આવ્યા છે. બાકીના પ્રોજેક્ટો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. નમામિ ગંગે પ્રોગ્રામ હેઠળ નાણાં વર્ષ 2018-19 માટે રૂા. 2370 કરોડની કુલ ફાળવણી કરાઈ હતી, જેની સામે ભારત સરકારે રૂા. 2307.50 કરોડ ચૂકવ્યાં હતાં. આ પ્રોજેક્ટનો અત્યાર સુધીમાં કુલ રૂા. 8514.86 કરોડનો ખર્ચ થયો છે.
• વર્ષ થયેલ ખર્ચ (રૂા. કરોડમાં)
- 2014-15 170.99
- 2015-16 602.60
- 2016-17 1062.81
- 2017-18 1625.01
- 2018-19 2626.54
- 2019-20 (13.03.2020 સુધી) 2453.91