મુંબઈ: હેરિટેજ ઇમારતમાં બેસતી મુંબઈની કરિમી લાયબ્રેરીમાં હિન્દુ ધર્મગ્રંથો વિશેના અનેક ઉર્દૂ પુસ્તકો ધરાવે છે. આ બહુ સમૃદ્ધ અને વિશાળ પુસ્તક સંગ્રહ ધરાવતી આ લાયબ્રેરી મુંબઈની સૌથી જૂની અને મોટી શૈક્ષણિક સંસ્થા અંજુમન-એ-ઇસ્લામની છે. લાયબ્રેરીની ઇમારત મુંબઈની સૌથી જૂની ઇમારતોમાંની એક છે, પણ આજેય અડિખમ ઊભી છે.
અંજુમન-એ-ઇસ્લામ 147 વર્ષ જૂની સંસ્થા છે. તેના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં 97 શૈક્ષણિક સંકુલો ચાલે છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. જુદા જુદા ધર્મોના આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ત્રણ હજારથી વધારેનો શિક્ષણગણ પણ છે. આ સંસ્થાઓમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં પણ સેટલ થયા અને સારી જગ્યાએ કામ કરી રહ્યા છે.
હિન્દુ ધર્મ વિશેના અલભ્ય એવા ઉર્દૂ પુસ્તકોનો સારો એવો સંગ્રહ કરિમી લાયબ્રેરીમાં છે. તેમાં રામાયણ અને હનુમાન ચાલીસા સહિતના અગત્યના ધર્મગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા પુસ્તકો લાયબ્રેરીના વાચકોને વાંચવા માટે સહેલાઈથી મળી શકે છે. જોકે કેટલાક જૂના ગ્રંથો હવે જીર્ણશીર્ણ થવા લાગ્યા છે. તેથી લાયબ્રેરી સંચાલકોએ તેમને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનું કામ ઉપાડ્યું છે.