ભારતમાં એવું માનવાની ભૂલ થઈ રહી છે કે આ ટૂંકા ગાળાની આર્થિક સમસ્યા છે અને આપણું અર્થતંત્ર તેમાંથી થોડા મહિનામાં બહાર આવી જશે. પરંતુ બીજી આફતો આવી હતી તેના કરતાં કોવિડની સમસ્યા જુદી છે અને તેનાથી માણસના અસ્તિત્ત્વ સામે જ સીધો ખતરો છે. કુટુંબના કમાતા સભ્યનું મોત થાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે અને તેની ખર્ચ કરવાની ક્ષમતા નહિવત થતી જતી હોય છે.
આવી કફોડી સ્થિતિ બધા દેશોમાં લાખો પરિવારોને થવાની હોય અને કંપનીઓ તથા સરકારને પણ થવાની હોય છે. બીજા અર્થમાં તેનો સીધો માર અર્થતંત્ર પર જ આવવાનો છે. રોગચાળાથી બચી જશે તેમણે પણ ભોગવવું પડશે અને દવા, સેનિટાઇઝર્સ, વીમા સહિતની સાવધાની રાખવા માટે પૈસા ખર્ચવા પડશે. તેનાથી બીજા ખર્ચામાં કાપ મૂકાશે. છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું છે કે યુદ્ધ કે આર્થિક સંકટને કારણે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયા હોય તેના બદલે આરોગ્યના જોખમને કારણે આર્થિક સંકટ આવ્યું છે.
એટલું સમજી લેવું રહ્યું કે સારા કે ખરાબ સમાચારને સમજીને બિઝનેસ તેને અનુકૂળ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ અત્યારે છે તેવી વૈશ્વિક અનિશ્ચિતતા ક્યારેય જોવા મળી નથી. વેપારીઓ અનિશ્ચિતતા સામે કેવી રીતે આયોજન કરે? તેથી થશે એવું કે બધા જ સ્રોતોને સાચવીને રાખવાની વૃત્તિ આવશે. વેપારીઓ પણ બધા ખર્ચામાં કાપ મૂકશે. તેનો અર્થ એ કે વેપારની સાયકલ તૂટી જશે અને તેની ઉલટી અસર શરૂ થશે જે અર્થતંત્રને ઠપ કરી દેશે.
વૈશ્વિક અનિશ્ચિતતા સૂચકાંક 1990થી અત્યાર સુધી
વેપાર પર કોરોનાની અસર
કોરોના સંકટ અને વિશ્વ વેપાર પર અસર - વેપાર પર કોરોનાની અસર
છેલ્લી ત્રણ સદીઓનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે દરેક નવી સદીના પ્રથમ અડધા ભાગમાં કાંતો યુદ્ધો થયા હતા, અથવા મોટા પાયે આફતો અને મહામારી આવી હતી, આર્થિક અને સામાજિક સંઘર્ષો આવ્યા હતા. કમનસીબે મનુષ્ય ઇતિહાસને ભૂલી જતો હોય છે અને એટલે આવી આફત આવે ત્યારે તે નવી લાગતી હોય છે. ભારતમાં પણ મોટા ભાગના લોકો આશા રાખીને બેઠા છે અને વિચારી રહ્યા છે કે કોરોના મહામારી પછીનો કાળ રાબેતા મુજબનો હશે અને લાંબા ગાળાની વૈશ્વિક આર્થિક સ્થિતિને કોઈ અસર થઈ નથી. અથવા તો ભારત કોરોના સંકટને કારણે ઊભા થયેલા વમળથી બચી જશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કોરોનોની ઘાતક અસર થઈ છે. 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર યુદ્ધ વિના દેશોની સરહદો બંધ થઈ ગઈ. ત્રણેક મહિના માટે લગભગ બધા જ વેપારી માર્ગો થંભી ગયા હતા. 1980ના દાયકા પછીના અર્થતંત્રમાં મની, માર્કેટ અને પ્રોડક્ટ્સ વધુ ને વધુ ટેક્નોલૉજી સાથે અને આંતરરાષ્ટ્રીય સરહદોની આરપાર સુધી જોડાયેલા છે. તેનાથી કાર્યક્ષમતા વધી હતી અને ઓછા ખર્ચે ઉત્પાદન થતું હતું. આમાંથી કોઈ એક જગ્યાએ સમસ્યા ઊભી થાય તેની અસર સમગ્ર જગતમાં થાય. એક જ ઝાટકે કોરોના વાઇરસે દુનિયાના અર્થતંત્રને પાંગળું કરી દીધું છે.
વિશ્વનો 90% વેપાર સમુદ્રી જહાજો અને વિમાનોથી થાય છે. ખનીજ તેલ સહિત 2018માં બધી જ વસ્તુઓનો વેપાર $19.5 ટ્રિલિયન ડૉલરનો હતો. તેમાંથી વિકસિત દેશોનો હિસ્સો $9.3 ટ્રિલિયન હતો. દર વર્ષે 20 ફૂટના કન્ટેનરમાં વસ્તુઓની હેરફેર થાય તેનાથી અંદાજે $1 ટ્રિલિયનનો વેપાર થતો હતો. અંદાજો મૂકાયા છે કે તેમાં કોવિડના કારણે 14થી 30% સુધીનો ઘટાડો થશે. ફેબ્રુઆરી-એપ્રિલ 2020માં સૌથી ઓછી હરફર થઈ હતી, તેમાં થોડો સુધારો થયો છે, પરંતુ કન્ટેનર શીપ પોર્ટ પર આવે તેનું પ્રમાણ ઑગસ્ટમાં ગત વર્ષ કરતાં 7% ઓછું છે. 2022ના વર્ષમાં જ કન્ટેનર ટ્રાફિક પહેલાં જેટલો થશે તેવો અંદાજ છે.
અર્થતંત્ર અને વેપારનું બીજું અગત્યનું માપદંડ આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે, કેમ કે વિશ્વ વેપાર માટે વિદેશ પ્રવાસ જરૂરી હોય છે. આ વર્ષે હજીય આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા 40% ઘટી ગઈ છે (ફેબ્રુઆરી-એપ્રિલમાં ઘટાડો 80%નો હતો). સરવાળે કોવિડને કારણે 7-13% વધારે ઘટાડો થશે. હકીકતમાં 2019ના વર્ષમાં જ આગલા 2018ના વર્ષ કરતાં વિશ્વ વેપારમાં 2.5% ઘટાડો થયો હતો.
તેના કારણે ગરીબ દેશોમાં ઉદ્યોગો બંધ થઈ રહ્યા હતા. અચાનક બંધ ઉદ્યોગોના કારણે વેપાર વધારે અઘરો બન્યો છે અને તેના કારણે ફરી સુધારો આવતા પણ બહુ વાર લાગશે. વેપારમાં સૌથી મોટો ખર્ચ પ્રવાસનો અને ટ્રાન્સપોર્ટેશનનો હોય છે. વિશ્વ વેપાર સંસ્થાના અંદાજ અનુસાર તેમાં સેક્ટર પ્રમાણે 15-31%નો વધારો થશે. તેમાં થનારા વધારાના કારણે વસ્તુઓની કિંમત પણ વધશે અને બિઝનેસ જાળવવો અઘરો બનશે.
કોરોનાને કારણે પુરવઠો અટક્યો અને સાથે જ માગ પણ ઘટી અને તેથી બંદરો પર માલસામાન અને જહાજોનો ભરાવો થયો છે. તેના કારણે શિપિંગ કંપનીઓ ડિઝલનો ખર્ચ ઘટાડવા માટે તેની ગતિ ધીમી કરી રહ્યા છે. સાથે જ લાંબા અંતરનો પ્રવાસ કરે છે, જેથી વધારે ભાડું વસૂલ કરી શકાય. બીજું કે જહાજ ભાડે રખાયું હોય તે કેન્સલ થયું હોય તેના કારણે નુકસાન થઈ રહ્યું છે અને પુરવઠાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે. તેના કારણે અમેરિકામાં વેકેશનની સિઝન આવે તે પહેલાં માલ પહોંચાડવા માટે કંપનીઓએ વધારે ભાડાં આપવાં પડ્યાં છે. માલ પહોંચાડવામાં ના આવે અને કાયદાકીય દંડ ભોગવવો પડે તે ટાળવા માટે પણ આમ થઈ રહ્યું છે.
અસરો
આ બધા પ્રવાહો વિકાસશીલ દેશોને નુકસાન કરનારા છે, ખાસ કરીને વિશાળ અને નબળું અર્થતંત્ર ધરાવતા ભારત જેવા દેશોને વધારે નુકસાન થઈ શકે છે.
પ્રથમ તો વિકાસશીલ દેશોમાં વેપારનો હિસ્સો વધારે હોય છે તેથી અર્થતંત્રને વધુ અસર થાય છે. વેપાર અટકી પડે એટલે અર્થતંત્રને બેઠું થતા પણ વાર લાગે.
બીજું વિકાસશીલ દેશો મોટા ભાગે કાચો સામાન નિકાસ કરતા હોય છે અથવા મધ્ય હરોળના ઉત્પાદનો જેનું મૂલ્ય ઓછું હોય છે.
ત્રીજું, ભારત સહિત મોટા ભાગના વિકાસશીલ દેશોમાં રેવેન્યૂ અને ફિસ્કલ ડેફિસિટ હોય છે. ખાધ હોવાના કારણે જર્મની, જાપાન કે ચીનની જેમ વધારે લાંબો સમય તે કામકાજ અટકાવીને રાખી શકે નહિ.
સરવાળે આવકો ઘટશે, નોકરીઓ જશે અને તેનાથી ચલણ પર દબાણ પર આવશે. એક વાર અર્થતંત્રની સમસ્યા ચલણ ઉપર થાય તે પછી તેને નીચે જતું અટકાવવું મુશ્કેલ હોય છે.
આ નિરાશાજનક સ્થિતિ વચ્ચે આશાનું એક કિરણ છે: મહિનાઓ સુધીના લોકડાઉન પછી હવે દુનિયાભરમાં ઉત્પાદન વધારવાની માગ છે. જે વસ્તુઓ ખલાસ થઈ ગઈ હોય તેનો જથ્થો ફરી થઈ રહ્યો છે. તેનો અર્થ એ કે ટૂંકા ગાળામાં વિશ્વના બધા દેશોએ પોતાના થોડા કારખાના ચાલુ કરવા જ પડશે. તેના કારણે ટૂંકા ગાળે થોડી રાહત મળશે.
બીજું કે હવે છ મહિના વીતિ ગયા છે અને ત્યારે લોકો પણ કોરોના સંકટને અનિવાર્ય તરીકે સ્વીકારી લેતા થશે. અનિશ્ચિતતા જ હવે સત્ય છે તે વાસ્તવિકતા બનશે. લોકો ટેવાતા થશે અને તેથી માનસિક રીતે સ્થિતિ વધારે બગડતી નહિ લાગે.
-ડૉ. એસ. અનંત