ન્યૂઝ ડેસ્ક : કોવિડ-19 મહામારીએ વિશ્વના તમામ દેશોમાં તબાહી સર્જી છે, ત્યારે વૈશ્વિક અર્થતંત્ર પર તેના પ્રભાવ વિશે વ્યાપક ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આ મહામારી વિશ્વભરની લોકશાહી પર પણ ઊંડો પ્રભાવ છોડી જઇ શકે છે.
મહામારીની પૃષ્ઠભૂમિમાં ઘણા વિકાસશીલ દેશો અગાઉથી જ બિનલોકશાહી પ્રવૃત્તિઓ સામે લડત આપી રહ્યા છે અને મહામારી સામેની લડાઇ નવાં સમીકરણો રચી રહી છે, જે ભવિષ્યમાં નાગરિકો અને સરકાર વચ્ચેના સંબંધોને પણ પ્રભાવિત કરી શકે છે.
મહામારી લોકશાહી પ્રક્રિયા પર લાંબો પ્રભાવ ઉપજાવી શકે છે, તેવાં કેટલાંક ક્ષેત્રો અહીં જણાવવામાં આવ્યાં છે.
સત્તાનું કેન્દ્રીકરણ
વિવિધ રાષ્ટ્રોમાં જોવા મળ્યું તેમ, મહામારી સામેની લડતને વધુ મજબૂત કરવા માટે, સ્વયંને વધુ સત્તા આપી રહી છે. 50 કરતાં પણ વધુ દેશોએ ઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે અને દુર્ભાગ્યે કેટલાક દેશોમાં સરકારોએ વિપક્ષોના હક્કો ઉપર તરાપ મારીને વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઊઠાવ્યો છે. ઉદાહરણ તરીકે, હંગેરીએ એવો કાયદો પસાર કર્યો છે, જે વડાપ્રધાનને અનિશ્ચિત રીતે ફરમાન દ્વારા શાસન કરવાની સર્વોચ્ચ સત્તા આપે છે.
સેન્સરશિપમાં વધારો
વિશ્વના ઘણા દેશોએ હવે માહિતીને સેન્સર કરવાનું શરૂ કર્યું છે. વર્તમાન સમય જેવી પરિસ્થિતિમાં ખોટી માહિતીનો પ્રસાર કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે, કઇ માહિતી પ્રસારિત કરવી તેના પર તપાસ રાખવું અત્યંત જરૂરી છે, પરંતુ કેટલાંક રાષ્ટ્રોમાં આ સ્થિતિને મીડીયા પર બિનલોકશાહી તરાપ મારવા તરીકે જોવાઇ રહી છે. જેમકે, થાઇલેન્ડના પત્રકારો મહામારીને પગલે સરકારની કાર્યવાહી સામે સવાલો ઊઠાવવા બદલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
વિરોધમાં વિરામ
કેટલાંક સરકાર વિરોધી પ્રદર્શનો તેમની ટોચ પર હતાં, ત્યારે કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટેનાં પગલાં સ્વરૂપે સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે આ પ્રદર્શનોનો અકાળે અંત આણવો પડ્યો હતો. હવે એક વખત જનજીવન થાળે પડ્યા પછી તે વિરોધ પ્રદર્શનો સમાન તીવ્રતા સાથે પાછાં ફરશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. ઘણાં લોકો એવું પણ માની રહ્યાં છે કે, જે સરકારોએ અત્યારે તે પ્રદર્શનો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે, તેઓ વાસ્તવમાં આ વિરોધ પ્રદર્શનોને કદી પણ પુનઃ સક્રિય નહીં થવા દે.
વધતી સામાજિક સામેલગીરી
વાઇરસને પ્રસરતો અટકાવવા માટે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યાં છે, ત્યારે તેનો અર્થ નથી કે સામાજિક સ્તરની તેમની પ્રવૃત્તિઓ અટકી ગઇ છે. મહામારીના સમયગાળા દરમિયાન, સંખ્યાબંધ સ્વ-સહાય જૂથો અને લોકો કોઇપણ પ્રકારની સરકારી દરમિયાનગીરી વિના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. લોકો સમાજ પ્રત્યે ઘણો વધારે લગાવ દર્શાવી રહ્યા છે અને ઘણાં લોકો મુખ્યત્વે પ્રત્યક્ષ રીતે કે આડકતરી રીતે આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે.