ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારીએ જાણે વિશ્વ યુદ્ધના વિનાશની ભયંકરતા આપણી નજર સમક્ષ તાદૃશ કરી દીધી છે! નિવારક પગલાં ભરવામાં નિષ્ફળ નીવડેલા દેશોએ અનેક નાગરિકોના જાન ગુમાવવા પડ્યા છે અને જે દેશોએ સાવધાની વર્તી, તેમણે ગંભીર આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે, તેમનું કુલ સ્થાનિક ઉત્પાદન સાવ તળિયે જઇ પહોંચ્યું છે. ભારતે માનવ જીવનને પ્રાથમિકતા આપીને 6 અઠવાડિયા અગાઉ લોકડાઉન લાગુ કર્યું, તે સાથે જ દેશનું અર્થતંત્ર સાચા અર્થમાં ICUમાં પહોંચી ગયું છે.
જનતાના આરોગ્યનું રક્ષણ કરવું એ સરકારની બંધારણીય જવાબદારી છે. રાજ્ય સરકારો તેમનાં લોકોને કોવિડથી બચાવવા માટે તેમની ઊર્જાઓ કામે લગાડી રહી છે, તેવા સમયે નાણાંકીય ખોટની સમસ્યા એક વાસ્તવિક પડકાર છે! રાજ્યો જે કરની આવક વસૂલતાં હોય છે, તે 46 ટકા છે અને કરવેરા સિવાયની આવક 8 ટકા છે, તે સિવાયનો આવકનો બાકીનો હિસ્સો કેન્દ્રીય કરવેરાનો (26 ટકા) અને ગ્રાન્ટ્સ (20 ટકા)નો હોય છે.
રાજ્ય સરકારોની આવકના મહત્વના સ્રોતો અર્થાત, GST (39.9 ટકા), પેટ્રો-પેદાશો પરનો વેટ (21.5 ટકા), એક્સાઇઝ (11.9 ટકા), સ્ટેમ્પ રજિસ્ટ્રેશન (11.2 ટકા) અને વાહન વેરા (5.7 ટકા) લોકડાઉન દરમિયાન બંધ થઇ ગયા છે. ગયા મહિને તેલંગણાની આવક રૂપિયા 5,000 કરોડ હતી, પરંતુ વાસ્તવિક આવક રૂપિયા 50 કરોડ હતી! ઉત્તર પ્રદેશ સરકારે એપ્રિલ મહિનામાં રૂપિયા 2,284 કરોડની આવક પ્રાપ્ત કરી હતી, જ્યારે તેની વેતન-ભથ્થાંની જરૂરિયાત રૂપિયા 12 હજાર કરોડ હતી! યુદ્ધ જેવી આ અભૂતપૂર્વ સ્થિતિમાં આવક અને ખર્ચના અસંતુલન વચ્ચે ફસાયેલી રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી નાણાંકીય સહાયની અપેક્ષા સેવે, તે એકદમ યોગ્ય છે. બજેટના અંદાજોની તુલનામાં કરવેરાની વસૂલાત થકી થયેલી નબળી આવકને કારણે રાજ્યોને ભંડોળની તબદીલીમાં રૂપિયા 2 લાખ કરોડની ખાધ પડશે, જે ચિંતાજનક બાબત છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ નાણાંકીય કટોકટીમાંથી ઉગારી લેવાં જોઇએ.