ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

ભાવનગરમાં ગુનાખોરીમાં વધારો, 4 દિવસમાં હત્યાના 4 બનાવો આવ્યા સામે

ભાવનગર: રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ જાણે કે ગુનેગારોએ માથું ઉંચક્યું હોય તેમ સતત ચોથા દિવસે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શનિવારની મોડી રાત્રે ભાવનગર શહેરમાં આવેલી જુની વિઠ્ઠલવાડી નજીક પાનના ગલ્લે બેઠેલા એક યુવાન પર જુની અદાવતને પગલે 4 જેટલા શખ્સોએ તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર શહેરમાં ભાર ચકચાર મચી ગઇ હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 28, 2019, 1:32 PM IST

ભાવનગરમાં શહેરના જુની વિઠલવાડી વિસ્તારમાં પાનની દુકાને બેઠેલા 35 વર્ષીય નિરવ ઉર્ફે બાવકા વેગડ પર 4 અજાણ્યા શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કરતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ભાવનગર DYSP મનીષ ઠાકર તથા A ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ભાવનગરની સર ટી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત જાહેર થઈ હતી કે, મૃતકે થોડા દિવસ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર શખ્સો સાથે તેના ભાઈને ગાળો આપવા બદલ તકરાર થઇ હતી. તેની દાઝ રાખીને શનિવારના રોજ 4 શખ્સોએ મૃતક પર જીવલેણ હુમલો કર્યો હતો.

જો કે, બીજી તરફ મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગત મોડી રાત્રે નિલમબાગ પોલીસ વિભાગ દ્વારા મૃતકના ભાઇ વિમલ વેગડની ફરિયાદ લઇ 4 અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, સતત 4 દિવસ દરમિયાન 4 હત્યાના બનાવના પગલે ભાવનગર શહેરમાં ભારે ચકચાર મચી છે.

આ બનાવ અગાઉ ભાવનગર પંથકમાં 4 હત્યાના બનાવ બન્યા છે. મતદાન પૂર્ણ થયાની રાત્રે જ સિહોરના ઘાંઘળી નજીક દંપતિ પર હુમલો કરી લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ પતિની હત્યા કરી નાંખી ફરાર થઇ ગયા હતા. તો બીજા દિવસે ભાવનગરના સીદસર 25 વારિયામાં પાડોશીઓ વચ્ચે ઝઘડામાં સાસરીમાં જ પાડોશીએ જમાઈને છરી ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. એક દિવસ બાદ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોક ખાતે એક સગીર શખ્સે નજીવી તકરારની દાઝ રાખીને વિપ્ર યુવાનને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે, આ ત્રણ દિવસમાં હત્યાની ત્રણ ઘટનાની શાહી હજી સુકાઈ ન હતી, ત્યાં શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details