મૉસ્કોઃરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા માટે કોઈ ડરાવી કે મજબૂર કરી શકે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે રાષ્ટ્રીય હિતની રક્ષા કરવાની વાત આવે, ત્યારે પીએમ મોદી કડક વલણ અપનાવવાથી પણ અચકાતા નથી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે હું કલ્પના પણ કરી શકતો નથી કે, મોદીને કોઈ પણ નિર્ણય માટે ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકે.
પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું કે, ખાસ કરીને જ્યારે તે નિર્ણય ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધમાં હોય તો પીએમ મોદીને મજબૂર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે મારી આ વિશે ક્યારેય કોઈ વાત થઈ નથી, હું માત્ર બહારથી જોઉં છું. તેમણે કહ્યું કે જો ઈમાનદારૂથી કહું તો ક્યારેક-ક્યારેક ભારતના હિતોની રક્ષા પ્રત્યે પીએમ મોદીના કડક વલણથી મને આશ્ચર્ય પણ થાય છે.
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય પુતિને 14મા VTB ઈન્વેસ્ટમેન્ટ ફોરમ 'રશિયા કોલિંગ'ને સંબોધિત કરી રહ્યા હતા. ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર પણ પ્રકાશ પાડતા પુતિને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો તમામ દિશામાં 'પ્રગતિપૂર્વક વિકાસ' કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, પીએમ મોદીની નીતિઓ બંને દેશો વચ્ચેના સંબંધોની મુખ્ય 'ગેરંટર' છે. તેમણે દ્વિપક્ષીય વેપારના વિસ્તરણમાં વેગ લાવવા માટે બંને દેશો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ વાત કરી હતી.