જેરૂસલેમ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ જંગ યથાવત છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા શહેરમાં રહેનારા આશરે 10 લાખ લોકોને આ વિસ્તાર ખાલી કરીને જતાં રહેવાનો આદેશ કર્યો છે. ત્યાર બાદ આ વિસ્તારમાં ઈઝરાયેલ તરફથી જમીની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. જ્યારે બીજી તરફ હમાસે પોતાના લોકોને ઘરમાં જ રહેવાની સુચના આપી છે. જેના કારણે લોકોમાં વઘારે ભયનો માહોલ ઘર કરી ગયો છે. જાણવા મળતી વિગત પ્રામણે ઈઝરાયેલના આદેશ બાદ લોકોએ ઉત્તરી વિસ્તારને ખાલી કરવીને દક્ષિણ તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, આખા વિસ્તારને ખાલી કરવું સરળ નથી. જ્યારે લોકોના મનમાં પણ એ પ્રશ્ન છે કે ક્યાંક દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ તો આગળ નથી વધી રહીને ? ખરેખર તો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે દુનિયા ફરી એક વાર બે ભાગમાં વહેંચાતી દેખાઈ રહી છે.
ઇઝરાયેલી સૈન્યનું આક્રમણ:ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમના સૈનિકોએ આતંકવાદીઓ સામે લડવા માટે ગાઝામાં ઘણા સ્થળે કાર્યવાહી કરી છે અને લગભગ એક અઠવાડિયા પહેલા ઇઝરાયેલ પર હમાસના હુમલામાં અપહરણ કરાયેલા આશરે 150 લોકોની શોધ આદરી છે. જ્યારે બીજી તરફ ગાઝા શહેરમાં લોકોનું પલાયન થવાનું શરૂ થઈ ગયું છે. લોકો કાર, ટ્રક, ગાડા સહિતના વાહનોમાં પેલેસ્ટિનિયન પરિવારો તેમની જીવનજરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને ગાઝા સિટીથી દક્ષિણ તરફના માર્ગો પર આગળ વધી રહ્યાં છે. હમાસના મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ દક્ષિણ તરફ પલાયન કરી રહેલા લોકોના કાફલા પર પણ હુમલો કર્યો હતો જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે.
ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી: ઈઝરાયેલ સૈન્યએ કહ્યું કે, તેણે ગાઝા શહેરની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભમાં છુપાયેલા હમાસના સ્થળોને નિશાન બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. હમાસે લોકોને પોતાના ઘર ખાલી કરાવવાના ઈઝરાયેલના આદેશને ગંભીરતાથી ન લેવાનું જણાવ્યું હતું. યુદ્ધ વચ્ચે પીસાતા ગાઝામાં લોકોને ક્યાંય પણ કોઈ સુરક્ષિત જમીન ન મળતી હોવાના કારણે તેઓ ત્યાંથી પલાયન કરવા મજબૂર બન્યાં છે. કારણ કે ઈઝરાયેલી હુમલામાં ગાઝામાં મોટા પ્રમાણમાં વિનાશ થયો છે. બીજી તરફ ગાઝામાં અન્ન પુરવઠો, પાણી અને આરોગ્ય જેવી સેવાઓ પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે.