રિયાદ: સાઉદી અરેબિયામાં આ વર્ષે માત્ર 1000 મુસ્લિમ યાત્રિકો જ હજ કરી શકશે. 1000 યાત્રાળુઓમાંથી સાઉદી અરેબિયાની બહારના કોઈ પણ યાત્રી નહીં હોય. દેશમાં પહેલાથી જ રહેતા વિવિધ રાષ્ટ્રીયતાના મુસ્લિમોને આ વખતે હજ કરવાની છૂટ આપવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, આ પહેલીવાર છે જ્યારે સાઉદી અરેબિયાની બહારના યાત્રાળુઓને હજ ન કરવા દેવામાં આવી રહ્યા છે, જેના કારણે વિશ્વભરના મુસ્લિમોમાં નિરાશા છે. પરંતુ કોરોનાના ભયને જોતા, આ કરવું પણ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે વિશ્વભરમાંથી આશરે 25 લાખ મુસ્લિમોએ હજની યાત્રા કરી હતી.
આ સિવાય કિંગ્ડમ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી કે 31 જુલાઇથી શરૂ થનારી આ વર્ષની હજ માટેની પસંદગી પ્રક્રિયા શું હશે.
હજ પ્રધાન મોહમ્મદ બેંટેને રિયાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે યાત્રાળુઓની સંખ્યા આશરે 1000 હશે.
આરોગ્ય પ્રધાન તૌફિક અલ-રબિયાએ જણાવ્યું હતું કે યાત્રાળુઓની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હોવી જોઈએ. આવા લોકોને જ હજ યાત્રા જ કરવાની મંજૂરી આપવામાં આવશે.
રાબિયાએ કહ્યું કે આ ઉપરાંત, હજ યાત્રાળુઓ પવિત્ર મક્કા શહેરમાં પહોંચે તે પહેલાં કોરોનાની તપાસ કરવામાં આવશે અને તેઓએ હજ પછી ઘરે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આ ખૂબ રાજકીય અને આર્થિક સંકટથી ભરેલું પગલું છે. હજ કરીને કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધારે છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યું છે. અહીં અત્યારસુધીમાં 161,000 થી વધુ કેસ નોંધાયા છે. અને 1,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
હજયાત્રામાં ઘટાડો થવાને કારણે મહેસૂલ પણ નીચે આવ્યું છે. સાઉદી અરેબિયા પહેલેથી જ કોરોનાને કારણે તેલ બજારમાં મંદીનો અનુભવ કરી રહ્યો છે. નાના પાયે હાથ ધરવામાં આવનારી ઉમરાહ યાત્રા પણ આ વર્ષે માર્ચમાં રોકી દેવામાં આવી હતી.