રશિયા : દિલ્હીથી મોસ્કો જવા પહેલા રાજનાથસિંહે ટ્વિટર પર લખ્યું હતું કે, તેઓ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો જઈ રહ્યા છે. રશિયાની મુલાકાત દરમિયાન ભારત-રશિયા સંરક્ષણમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મને ચર્ચા કરવાની તક મળશે. હું મોસ્કોમાં 75માં વિજય દિવસ પરેડમાં પણ હાજર રહીશ.
રક્ષાપ્રધાન રાજનાથસિંહે મોસ્કોના ભારતીય દૂતાવાસમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી
ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે જે વિવાદ ઉભો થયો છે તેનો અંત હજી સુધી નથી આવ્યો. ત્યારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસીય રશિયાના પ્રવાસ પર છે . તેમણે રશિયાની રાજધાની મોસ્કોમાં રશિયન નાયબ વડા પ્રધાન યુરી ઇવાનોવિચ બોરીસોવ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તે ભારતીય દૂતાવાસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
24 જૂનના રોજ મોસ્કોમાં યોજાનારી સૈન્ય પરેડમાં ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઇ ફેંગહે પણ હાજર રહેશે. બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત સંઘને નાઝી જર્મની પર મળેલી જીતની ખુશીમાં આ પરેડની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિજયની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય અને ચીની સૈનિકો પણ અન્ય દેશોની સૈન્યની સાથે પરેડમાં ભાગ લઈ રહ્યા છે.
પરેડમાં ભાગ લેવા માટે 75 સભ્યોની ભારતીય સૈન્યની ટુકડી મોસ્કો પહોંચી ચૂકી છે. ભારતીય અને ચીન લગભગ 11 દેશોના સશસ્ત્ર દળના જવાનો સાથે પરેડમાં ભાગ લેશે.