લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે આગામી મહિનાઓમાં જૂનની શરૂઆત સાથે કેટલાંક ભૂલકાંઓ માટે શાળા ફરી શરૂ કરવાની અને ઇંગ્લેન્ડમાં કોરોનાવાઇરસ લોકડાઉનને હળવું કરવા સહિત બ્રિટનને પુનઃ પ્રવૃત્તિમય બનાવવાની ‘શરતી યોજના’ રજૂ કરી હતી.
ટેલિવિઝન પર દેશને કરેલા સંબોધનમાં જ્હોનસને જણાવ્યું હતું કે, "આ સમય ચાલુ સપ્તાહે લોકડાઉનનો અંત આણવાનો નથી, પરંતુ ઘરેથી નોકરી ન થઇ શકતી હોય, તેવા લોકોને ફરી કામે લાગાવવા માટે પ્રોત્સાહિત કરવા સહિતના કેટલાક ફેરફારો કરવામાં આવે, તે યોગ્ય પગલું છે."
નિયંત્રણો દૂર કરવાના સાવચેતીભર્યાં પગલાંની રૂપરેખા દર્શાવતા 50 પાનાના સરકારી દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, "જ્યાં લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું હંમેશા શક્ય ન હોય તથા તેઓ સામાન્યપણે જે લોકોને મળતા ન હોય, તેવા લોકોના સંપર્કમાં આવતા હોય તેવી, જાહેર પરિવહન અથવા તો દુકાન જેવી બંધ જગ્યાઓ પર તેમણે તેમનું મોં ઢંકાય તેનું ધ્યાન રાખવું જોઇએ. આ એક નિયમ કરતાં વાસ્તવમાં તો એક અનુરોધ છે અને જો લોકો માસ્ક નહીં પહેરે, તો તેમને દંડ ફટકારવામાં નહીં આવે.
સરકારે લોકડાઉન સમાપ્ત કરવા માટે ત્રણ તબક્કાનો અભિગમ તૈયાર કર્યો છે, બુધવારથી આઉટડોર પ્રવૃત્તિઓ પર મૂકાયેલી મર્યાદાઓને હળવી કરાશે. ઇંગ્લેન્ડમાં લોકો દિવસમાં ફક્ત એક વખત બહાર નિકળવાને બદલે અમર્યાદિત પ્રવૃત્તિ કરી શકશે અને તેઓ બહાર બેસી શકશે તથા સનબાથ પણ લઇ શકશે. પાર્ક કે બીચની મુલાકાત લઇ શકશે, તે જ રીતે ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ પણ પુનઃ ખુલ્લા મૂકી શકાશે.
જો ઇન્ફેક્શનમાં નવેસરથી વધારો નહીં થાય, તો જૂનમાં કેટલાંક નાનાં ભૂલકાંઓ માટે શાળાના વર્ગો શરૂ કરાશે, ગૌણ જરૂરિયાતો ધરાવતી શોપ્સ પુનઃ ખુલ્લી મૂકાશે. ત્રીજો તબક્કો વહેલામાં વહેલો જુલાઇમાં અમલમાં મૂકાશે, તેમાં રેસ્ટોરન્ટ, કાફે, પબ, હેરડ્રેસર્સ તથા અન્ય વ્યવસાયોને ક્રમશઃ ખુલ્લા મૂકાશે.
જ્હોન્સને લોમેકર્સ (નીતિ ઘડવૈયાઓ)ને જણાવ્યું હતું કે, “જો સાવચેતીનું સ્તર વધવા માંડશે, તો અમે બ્રેક મારતાં ખચકાઇશું નહીં.” ગયા મહિને કોવિડ-19ના ગંભીર ઇન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે, ગણતરીના અઠવાડિયાઓની અંદર જ બ્રિટન હવાઇ મુસાફરી દ્વારા પ્રવેશ કરનારા લોકો પર 14 દિવસનું ક્વોરન્ટાઇન લાગુ કરશે. જોકે, આયર્લેન્ડ અને ફ્રાન્સના પ્રવાસીઓને તેમાંથી બાકાત રાખવામાં આવશે.
ઘણાં લોકોએ લોકડાઉનનો અંત આણવાની યોજનાને વધાવી લીધી હતી, તો સાથે-સાથે વિગતો પ્રકાશિત થઇ, તેના લગભગ 24 કલાક અગાઉ ટેલિવાઇઝ્ડ સ્પીચમાં જ્હોન્સન દ્વારા જાહેર કરવામાં આવેલાં પગલાંઓ અંગે મૂંઝવણ પણ પ્રવર્તતી હતી. મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા કેઇર સ્ટર્મરે જણાવ્યું હતું કે, “આ સમયે દેશને સ્પષ્ટતા અને ખાતરીની જરૂર છે અને આ ક્ષણે આ બંને બાબતોનો અભાવ વર્તાઇ રહ્યો છે."
જ્હોન્સને 23મી માર્ચથી શાળા, રેસ્ટોરન્ટ અને મોટાભાગની શોપ્સ બંધ કરવા સહિત રોજિંદા જીવન પર મૂકેલા કઠોર નિર્ણયો લંબાવ્યા હતા.
બ્રિટનમાં કોરોનાવાઇરસને કારણે 32,065 કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં, આ મૃત્યુઆંક યુરોપમાં સૌથી ઊંચો અને વિશ્વમાં અમેરિકા બાદ દ્વિતીય સ્થાને છે. કોરોનાના નવા ઇન્ફેક્શન તથા મૃત્યુની સંખ્યા ઘટી રહી છે, ત્યારે જ્હોન્સને જણાવ્યું હતું કે, નિયંત્રણોને અત્યંત હળવાં કરી દેવાં એ મૂર્ખામીભર્યું પગલું ગણાશે, કારણ કે તેનાથી કેસોની સંખ્યામાં પુનઃ ઊછાળો આવી શકે છે.
પરંતુ તેમણે અર્થતંત્રની બાબતમાં પોતાનો સૂર બદલ્યો હતો. 23મી માર્ચથી વર્કર્સને ઘરોમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે. હવે જ્હોન્સને કહ્યું હતું કે, “કન્સ્ટ્રક્શન કે ઉત્પાદન ક્ષેત્ર સહિતની જે કોઇપણ વ્યક્તિ ઘરેથી કામ કરી શકે તેમ ન હોય, તેમણે કાર્ય પર જવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત થવું જોઇએ.”