- UAE પ્રોફેશનલ્સને આપશે 10 વર્ષના ગોલ્ડન વિઝા
- UAEના પ્રધાનમંડળ દ્વાર મંજૂર
- શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ટ્વીટ કરી આપી જાણકારી
દુબઇ : સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા રવિવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, PHD ડિગ્રીધારકો, તબીબો, ઇજનેરો અને યુનિવર્સિટીઓના કેટલાક સ્નાતકો સહિત વધુ વ્યાવસાયિકોને 10 વર્ષના ગોલ્ડન વિઝા આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણયને UAEના પ્રધાનમંડળની મંજૂરી મળી ચૂકી છે.
રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરવા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવશે
UAE દ્વારા પ્રતિભાશાળી લોકોને અખાતી દેશમાં સ્થાયી થવા માટે તેમજ રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરવા માટે ગોલ્ડન વિઝા આપવામાં આવે છે. UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ દ્વારા આ અંગે ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી હતી.
કોને કોને મળશે ગોલ્ડન વિઝાનો લાભ
શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ટ્વિટ કર્યું, 'અમે આજે નીચેની કેટેગરીમાં પ્રવાસીઓને 10 વર્ષના ગોલ્ડન વિઝા આપવાના નિર્ણયને મંજૂરી આપી છે : PHDની તમામ ડિગ્રીધારકો, દરેક તબીબ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, પ્રોગ્રામિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને બાયોટેકનોલોજી, UAE દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી જેનો GPA (ગ્રેડ પોઇન્ટ એગ્રીકેટ) 3.8 અથવા તેનાથી વધુ હોય તેવા સ્નાતક.